IPL 2026: રોહિત શર્માનો રૌદ્ર અવતાર, પોતાનો જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો કીર્તિમાન
આઈપીએલ 2026ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ અને તેમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે સપના જેવી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી સીઝનની પ્રથમ મેચમાં ‘હિટમેન’ રોહિત શર્માએ એવી બેટિંગ કરી કે આખું વાનખેડે સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. રોહિતે માત્ર મેચ જ નથી જીતાડી, પરંતુ પોતાની વિસ્ફોટક બેટિંગથી પોતાનો જ વર્ષો જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો છે. આ મેચમાં રોહિતે જે લય બતાવી છે, તેનાથી વિરોધી ટીમોમાં અત્યારથી જ ફાળ પડી ગઈ છે.
કેકેઆરના 220 રન અને રોહિત-રિકલટનની તોફાની ભાગીદારી
મેચની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 220 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 221 રનનો ટાર્ગેટ કોઈપણ ટીમ માટે મુશ્કેલ હોય છે, પરંતુ મુંબઈની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને રિયાન રિકલટને મેદાનમાં ઉતરતાની સાથે જ ચિત્ર બદલી નાખ્યું હતું. આ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 148 રનની આક્રમક ભાગીદારી કરી હતી.
આ ભાગીદારી મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં પ્રથમ વિકેટ માટેની બીજી સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે. અગાઉ 2012માં રોહિત અને હર્ષલ ગિબ્સે અણનમ 167 રન જોડ્યા હતા, જે હજુ પણ રેકોર્ડ છે. જોકે, રોહિત અને રિકલટનની આ જોડીએ ગત સીઝનના સૂર્યકુમાર અને તિલક વર્માના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
પોતાનો જ રેકોર્ડ તોડ્યો: રોહિતની કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી
આ ઈનિંગની સૌથી ખાસ વાત રોહિત શર્માની ઝડપી અડધી સદી હતી. રોહિતે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે તેની આઈપીએલ કારકિર્દીની અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા રોહિતે વર્ષ 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈડન ગાર્ડન્સમાં 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. આજે 11 વર્ષ બાદ રોહિતે પોતાનો જ એ રેકોર્ડ તોડીને બતાવ્યું કે ઉંમર માત્ર એક આંકડો છે.
રોહિતે કુલ 38 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઈક રેટ 200 થી પણ વધુ રહ્યો હતો. ભલે તે સદી ચૂકી ગયો હોય, પરંતુ તેણે મુંબઈ માટે જીતનો પાયો મજબૂત કરી દીધો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સંકેત
મુંબઈ ઈન્ડિયન્સ સામાન્ય રીતે સીઝનની પ્રથમ મેચ હારવા માટે જાણીતી છે, પરંતુ 2026માં આ સિલસિલો તૂટ્યો છે. રોહિત શર્માનું ફોર્મમાં હોવું એ ટીમ માટે સૌથી મોટા આશીર્વાદ સમાન છે. જો હિટમેન આ જ રીતે બેટિંગ કરવાનું ચાલુ રાખશે, તો મુંબઈને છઠ્ઠું ટાઈટલ જીતતા કોઈ રોકી શકશે નહીં. ચાહકો હવે રોહિતની આગામી મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

