MS Dhoni Update: શું ધોની આજની મેચ નહીં રમે? CSK ફેન્સ માટે આવ્યા માઠા સમાચાર, જાણો શું છે અસલી કારણ
આઈપીએલ 2026ની શરૂઆત સાથે જ ક્રિકેટ પ્રેમીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ એટલે મેદાન પર ‘થાલા’ એટલે કે એમ.એસ. ધોનીની એન્ટ્રી. પરંતુ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી આજની મહત્વની મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના છાવણીમાંથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મહેન્દ્ર સિંહ ધોની આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઈજા બની અવરોધ: ધોની કેમ મેદાન બહાર?
મળતી માહિતી મુજબ, પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીની પિંડલીના સ્નાયુઓમાં (Calf Injury) ખેંચાણ આવ્યું હતું. આ ઈજાને કારણે તે અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી. તબીબી સલાહ મુજબ, ધોનીને આગામી ઓછામાં ઓછી બે મેચો માટે આરામ આપવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ધોની ટીમ સાથે ગુવાહાટી પણ ગયો નથી; તે અત્યારે ચેન્નાઈમાં જ છે જ્યાં ટીમનો કેમ્પ યોજાયો હતો. આનો અર્થ એ છે કે તે માત્ર મેદાન પર જ નહીં, પરંતુ ડગઆઉટમાં પણ જોવા મળશે નહીં. જો આ ઈજા ગંભીર જણાશે, તો કદાચ તે આખું એપ્રિલ મહિનું મેદાનથી દૂર રહી શકે છે.
ગાયકવાડ અને સેમસનની નવી જોડી
ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી હવે સંપૂર્ણપણે યુવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડના ખભા પર છે. જોકે, ટીમ માટે રાહતના સમાચાર એ છે કે તેમની પાસે સંજુ સેમસન જેવો અનુભવી ખેલાડી છે. ગાયકવાડે સ્પષ્ટ કર્યું છે કે ધોનીની ગેરહાજરીમાં સંજુ સેમસન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે અને તેની સાથે ઇનિંગની શરૂઆત (ઓપનિંગ) પણ કરશે. રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા સંજુ સેમસનનો અનુભવ ગાયકવાડને મેદાન પર વ્યૂહરચના બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
ધોની વગર જીતવાની આદત પાડવી પડશે
ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈની ટીમે હવે ધોનીના માર્ગદર્શન વગર મેદાન પર કેવી રીતે જીત મેળવવી તે શીખવું પડશે. રુતુરાજ ગાયકવાડ માટે આ એક મોટી કસોટી સમાન છે. શું ટીમ ધોની વગર રાજસ્થાન રોયલ્સના પડકારને ઝીલી શકશે? શું સંજુ સેમસન નવી ભૂમિકામાં ન્યાય આપી શકશે? આ તમામ સવાલોના જવાબ આજની મેચમાં મળશે. ફેન્સ ભલે ધોનીને મિસ કરે, પરંતુ દરેક વ્યક્તિ ઈચ્છશે કે ‘માહી’ જલ્દી ફિટ થઈને મેદાન પર પરત ફરે.

