રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે: યુક્રેન સંઘર્ષ પર ચર્ચા થવાની અપેક્ષા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતનો પ્રવાસ કરશે. ક્રેમલિન દ્વારા રાષ્ટ્રપતિ પુતિનના આ પ્રવાસની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પુતિન 5-6 ડિસેમ્બરની આસપાસ ભારતની યાત્રા પર આવી શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વાર્ષિક શિખર વાર્તા માટે ભારત આવશે. આ વાર્તાથી દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. જોકે, પુતિન એક દિવસ માટે આવશે કે બે દિવસ રોકાશે તે હજુ સ્પષ્ટ નથી. પુતિનની મુલાકાત પહેલાં, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ પ્રવાસની વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે આવતા મહિને ભારતની મુલાકાત લેશે. પુતિને છેલ્લે 2021 માં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ચર્ચા
સૂત્રોએ જણાવ્યું કે પુતિનની આ યાત્રા પહેલાં બંને પક્ષો વચ્ચે લશ્કરી અને લશ્કરી-તકનીકી સહયોગ પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગ (IRIGC-M&MTC) ના માળખા હેઠળ એક બેઠક થવાની સંભાવના છે.
ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદી અને પુતિન દ્વારા બંને દેશો વચ્ચેની ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’ ને વધુ વિસ્તૃત કરવા પર વિચાર-વિમર્શ થવાની અપેક્ષા છે. આ વાર્તા મુખ્યત્વે સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને ઊર્જાના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત હોઈ શકે છે.
22 વાર્ષિક શિખર બેઠકો થઈ ચૂકી છે
ભારત અને રશિયા વચ્ચે એક વ્યવસ્થા છે, જે અંતર્ગત ભારતના વડા પ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ સંબંધોની સમીક્ષા કરવા માટે વાર્ષિક શિખર બેઠક યોજે છે. અત્યાર સુધીમાં, ભારત અને રશિયા વચ્ચે 22 વાર્ષિક શિખર બેઠકો યોજાઈ ચૂકી છે. ગયા વર્ષે જુલાઈમાં, વડા પ્રધાન મોદી વાર્ષિક શિખર સંમેલન માટે મોસ્કો ગયા હતા.
સમજાય છે કે ભારત રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સના વધારાના બેચ ખરીદવા પર પણ વિચાર કરી શકે છે, કારણ કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આ હથિયારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચીનમાં થઈ હતી પીએમ મોદી અને પુતિનની મુલાકાત
એક મહિના પહેલાં, વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન ચીનના તિયાન્જિન શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વાર્ષિક શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. આ વાર્તા દરમિયાન બંને પક્ષોએ તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. મોદી-પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે થોડા દિવસો પહેલાં જ અમેરિકાએ ભારતીય વસ્તુઓ પરની જકાત (ટેરિફ) 50 ટકા કરી દીધી હતી, જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ પણ સામેલ હતો.
યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચાની સંભાવના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંને દેશો વચ્ચેનો ગાઢ સહયોગ માત્ર બંને દેશોના લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. આગામી શિખર વાર્તા દરમિયાન, બંને નેતાઓ યુક્રેન સંઘર્ષ પર પણ વિચાર-વિમર્શ કરે તેવી અપેક્ષા છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીનો બચાવ કરતા ભારતે હંમેશા કહ્યું છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની ગતિશીલતા દ્વારા પ્રેરિત છે.