પેઢીઓથી ખેડાતી જમીન પર હવે કાયદેસર માલિકી, વન અધિકાર અધિનિયમથી આદિજાતિ પરિવારોના જીવનમાં સ્થિરતા
ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તારોમાં પેઢીઓથી વસવાટ કરતા અને ખેતી કરતા અનુસૂચિત જનજાતિના લોકો માટે ‘વન અધિકાર અધિનિયમ-૨૦૦૬’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદો આદિવાસી સમાજના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ કાયદાના અસરકારક અમલીકરણને કારણે અત્યાર સુધીમાં અંદાજે ૩,૨૨૬ જેટલા આદિજાતિ પરિવારોના જમીન દાવાઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષો સુધી જમીન ખેડતા શ્રમિકોને હવે કાયદેસર રીતે માલિકી હક મળતા તેઓ સમાજની મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે.
પોશીના તાલુકાના મીરાભાઈ ગમારની સફળતા ગાથા
સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવેલા વીંછી ગામના રહેવાસી મીરાભાઈ માલાભાઈ ગમાર આ યોજનાના પ્રત્યક્ષ લાભાર્થી છે. તેમણે પોતાનો સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ તેમને ૧.૫ વીઘા જમીનનો કાયદેસર માલિકી હક પ્રાપ્ત થયો છે. અગાઉ માલિકી હકની અનિશ્ચિતતા વચ્ચે ખેતી કરવી પડતી હતી, પરંતુ હવે કાયદેસર હક મળતા તેઓ નિશ્ચિંત બનીને વાવેતર કરી રહ્યા છે અને ગૌરવભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ બદલ તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આદિજાતિઓના જીવનમાં સ્થિરતા અને ગૌરવનો સંચાર
સાબરકાંઠા જિલ્લામાં વન અધિકાર પત્રો એનાયત થવાથી આદિજાતિઓના જીવનમાં મોટી સ્થિરતા આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વર્ષોથી વન વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા પરંપરાગત આદિજાતિઓને તેમના રહેઠાણ અને ખેડાણ માટેના કાયદેસર હક મળી રહે. આ વ્યવસ્થાને કારણે હવે આદિવાસી પરિવારો કોઈપણ પ્રકારના ભય વગર પોતાની જમીન પર હક જમાવી શકે છે. ૩,૨૨૬ દાવેદારોને અપાયેલા આ હક પત્રો જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષાનું નવું વાતાવરણ પૂરું પાડી રહ્યા છે.

