હિંમતનગર, પ્રાંતિજ અને તલોદના ગાયનેકોલોજિસ્ટ તથા રેડિયોલોજીસ્ટ માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંગે માર્ગદર્શન શિબિર
સાબરકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજીસ્ટ તબીબો માટે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પીસી એન્ડ પીએનડીટી (PC & PNDT) એક્ટની વિવિધ જોગવાઈઓ અને નિયમો અંગે તબીબોને સચોટ માહિતી પૂરી પાડી કાયદાકીય જાગૃતિ લાવવાનો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્ટમાં કરવામાં આવેલી મહત્વની જોગવાઈઓ અને તે અંતર્ગત પાળવાના થતા નિયમો વિશે વિસ્તૃત સમજ આપી હતી.
તબીબોની શંકાઓનું નિરાકરણ અને રેકોર્ડ મેન્ટેનન્સ
આ વર્કશોપમાં ‘ટુ-વે કોમ્યુનિકેશન’ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેનાથી તબીબો પોતાની મુંઝવણો સીધી જ રજૂ કરી શક્યા હતા. ખાસ કરીને હોસ્પિટલમાં રેકોર્ડ મેન્ટેનન્સ કેવી રીતે કરવું અને વારંવાર પૂછાતા ટેકનિકલ પ્રશ્નો બાબતે તબીબોની શંકાઓ સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી. હાજર તમામ તબીબોને આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવા અને કાયદાકીય ગંભીરતા સમજવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
વહીવટી પારદર્શિતા અને તબીબી સંગઠનોનો પ્રતિભાવ
સરકારના આ સકારાત્મક અભિગમની ફોગ્સી (FOGSI) હિંમતનગરના પ્રેસિડેન્ટ ડો. કાઝી દ્વારા સરાહના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનોથી તબીબોમાં કાયદાકીય સ્પષ્ટતા વધે છે અને વહીવટી પારદર્શિતા જળવાય છે. આ વર્કશોપ દ્વારા હિંમતનગર પંથકના ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજીસ્ટ તબીબોમાં કાયદાકીય સમજણ વધુ સુદ્રઢ બની છે, જે સામાજિક જવાબદારીના વહન માટે અત્યંત આવશ્યક છે.
