શું તમારી કંપની સમયસર પગાર મોકલે છે છતાં ખાતામાં નથી આવતો? આ મોટી ભૂલ હોઈ શકે છે!
જ્યારે મહિનાનો અંત આવે ત્યારે દરેક કર્મચારીની નજર પોતાના બેંક ખાતા પર હોય છે કે ક્યારે પગાર જમા થશે. પરંતુ, ક્યારેક ટેકનિકલ કારણોસર કે અન્ય મુશ્કેલીઓને કારણે પગાર સમયસર ખાતામાં નથી આવતો. આવા સમયે મનમાં અનેક સવાલો ઉઠે છે—શું બેંક આ માટે દંડ ચૂકવે છે? પગાર સમયસર ના આવવા પાછળ વાસ્તવિક જવાબદાર કોણ હોય છે? ચાલો આ બાબતને વિગતવાર સમજીએ.

પગાર જમા કરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
ઘણા લોકો એવું માની લે છે કે પગાર મોડો પડવા માટે સીધી બેંક જ જવાબદાર છે, પરંતુ હકીકતમાં આખી પ્રક્રિયા બે પગલાંમાં વહેંચાયેલી હોય છે. સૌથી પહેલા કંપની કે સંસ્થા પોતાના કર્મચારીઓના ખાતામાં પગાર મોકલવાની પ્રક્રિયા શરૂ કરે છે, અને ત્યારબાદ બેંકના માધ્યમથી આ નાણાં કર્મચારીઓના ખાતા સુધી પહોંચે છે.
જો કંપનીએ જ સમયસર પગાર ચૂકવવાની પ્રક્રિયા શરૂ ન કરી હોય, તો તેમાં બેંકનો કોઈ વાંક હોઈ શકતો નથી. બીજી બાજુ, જો કંપની સમયસર પેમેન્ટ કરી દે અને છતાં બેંકના કોઈ આંતરિક કારણો કે સિસ્ટમની ખામીના લીધે પૈસા જમા થવામાં વિલંબ થાય, તો પરિસ્થિતિ અલગ બને છે.
જો ભૂલ બેંકની હોય, તો શું પગલાં લેવા જોઈએ?
જો તમને પાક્કી ખાતરી હોય કે તમારી કંપનીએ સમયસર પગાર મોકલી દીધો હતો, પરંતુ બેંકની બેદરકારીના લીધે તે તમારા ખાતામાં નથી આવ્યો, તો તમારે સૌથી પહેલા સંબંધિત બેંકનો સંપર્ક કરવો જોઈએ. બેંકમાં ફરિયાદ નોંધાવતી વખતે કંપની દ્વારા આપવામાં આવેલી પેમેન્ટની તારીખ, ટ્રાન્ઝેક્શનની વિગતો અને પુરાવાઓ પોતાની પાસે રાખવા ખૂબ જરૂરી છે.
જો બેંક તમારી ફરિયાદ સાંભળવા તૈયાર ન થાય કે યોગ્ય પ્રતિસાદ ન આપે, તો તમે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ઓમ્બડ્સમેન (ગ્રાહક તકરાર નિવારણ) સિસ્ટમમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.
શું પગાર મોડો પડવા પર બેંક દંડ આપે છે?
આ એક એવો સવાલ છે જે સૌથી વધુ પૂછવામાં આવે છે. પગાર મોડો આવવો અને બેંકની સેવામાં ખામી હોવી—આ બંને બાબતો અલગ છે. જો બેંકની સેવામાં કોઈ સ્પષ્ટ ભૂલ કે બેદરકારી સાબિત થાય, તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે અને વળતરની માંગ પણ કરી શકે છે. પરંતુ, માત્ર એટલા કારણોસર કે પગાર ખાતામાં મોડો આવ્યો, બેંક પર આપમેળે દંડ લાગુ થઈ જતો નથી.

તેથી, કોઈપણ પગલાં લેતા પહેલા એ જાણવું અનિવાર્ય છે કે વિલંબ કંપનીના સ્તરે થયો છે કે પછી બેંકની સિસ્ટમમાં કોઈ ખામી હતી.
કંપનીએ સમયસર પૈસા મોકલ્યા છે તેની ખાતરી કેવી રીતે કરવી?
જ્યારે તમારી કંપની એવો દાવો કરે કે તેમણે સમયસર પગાર મોકલી દીધો છે, પરંતુ તમારા ખાતામાં રકમ જમા નથી થઈ, ત્યારે તમારે કંપની પાસે ટ્રાન્ઝેક્શન પ્રૂફ માંગવું જોઈએ.
ક્યારેક બેંકિંગ પ્રોસેસ, રજાઓ (સન્ડે કે બેંક હોલિડે) અથવા પેમેન્ટ મોડમાં બદલાવને કારણે ખાતામાં નાણાં દેખાતા થોડો સમય લાગી શકે છે. તેથી, માત્ર ખાતામાં બેલેન્સ ના દેખાવાના આધારે તરત જ એવું માની લેવું યોગ્ય નથી કે બેંકે જ કોઈ ભૂલ કરી છે. થોડી રાહ જોવી અને સાચી માહિતી મેળવવી હંમેશાં સમજદારીભર્યું પગલું સાબિત થાય છે.
