સંજુ સેમસને જીત્યું ફેન્સનું દિલ: ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યા બાદ બુમરાહ માટે કહી આ મોટી વાત
ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 89 રનની તોફાની ઇનિંગ રમનાર સંજુ સેમસને પોતાની બેટિંગથી તો ચાહકોને મંત્રમુગ્ધ કર્યા જ, પણ મેચ બાદ આપેલા નિવેદનથી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. મેચ વિનિંગ ઇનિંગ રમવા છતાં સેમસને નમ્રતા દાખવતા પોતે આ એવોર્ડનો સાચો હકદાર હોવાનો ઇનકાર કર્યો હતો.
રોમાંચક સેમીફાઈનલમાં ભારતનો વિજય
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 253 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં સંજુ સેમસને માત્ર 42 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 89 રન ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે પણ જોરદાર લડત આપી હતી અને 246 રન બનાવ્યા હતા, પરંતુ ભારત 7 રનથી આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું.
“બુમરાહ આ એવોર્ડનો સાચો હકદાર છે” – સેમસન
શાનદાર બેટિંગ માટે સંજુ સેમસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો, પરંતુ એવોર્ડ લેતી વખતે તેણે કહ્યું કે, “ખરેખર તો આ એવોર્ડ જસપ્રીત બુમરાહને મળવો જોઈએ. બુમરાહ જેવા ખેલાડી પેઢીમાં એકાદ વાર જ આવતા હોય છે. તેમણે જે રીતે ડેથ ઓવર્સમાં બોલિંગ કરી અને મેચ પલટી નાખી, તે અદ્ભુત હતું. જો તેમણે અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન ન કર્યું હોત, તો કદાચ હું આજે અહીં વિજેતા તરીકે ઉભો ન હોત.”
બુમરાહે પોતાની 4 ઓવરમાં 33 રન આપીને ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકની મહત્વની વિકેટ ઝડપી હતી અને 18મી ઓવરમાં માત્ર 6 રન આપીને મેચ ભારત તરફ વાળી દીધી હતી.
સતત બીજી મેચમાં ચમક્યો સંજુ
સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ સતત બીજી મેચ છે જેમાં તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની સુપર-8 મેચમાં પણ તેણે અણનમ 97 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. પોતાની બેટિંગ વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, “મેં મારી ઇનિંગને યોગ્ય રીતે કેલ્ક્યુલેટ કરી હતી અને નસીબે પણ સાથ આપ્યો. વાનખેડેમાં કોઈ પણ સ્કોર સુરક્ષિત નથી, તેથી હું વધુમાં વધુ રન બનાવવા માંગતો હતો.”
સદી ચૂકી જવા પર કોઈ અફસોસ નથી
જ્યારે સંજુને 89 રને આઉટ થઈ જવા અને સદી ચૂકી જવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ પરિપક્વ જવાબ આપ્યો. તેણે કહ્યું, “સદી મારા માટે બહુ મહત્વ નથી રાખતી. ટી-20માં તમારે સતત આક્રમક રમવું પડે છે. તમે સદીનો વિચાર કરીને ધીમા પડી શકો નહીં. હું ખુશ છું કે મારા રન ટીમની જીતમાં કામ આવ્યા. ટીમ માટે યોગદાન આપવું એ જ મારા માટે સૌથી મોટી વાત છે.”

