બાંગ્લાદેશ સામે વનડે સિરીઝમાં પાકિસ્તાનની શરમજનક હાર, કેપ્ટન શાહીન આફ્રિદીએ જણાવ્યું પરાજયનું અસલી કારણ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સમય કંઈ ખાસ સારો ચાલી રહ્યો નથી. T20 વર્લ્ડ કપ 2026ના સેમીફાઈનલમાં ન પહોંચ્યા બાદ હવે પાકિસ્તાનને બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝમાં પણ 2-1 થી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને ધૂળ ચટાડી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ હાર બાદ પાકિસ્તાની વનડે કેપ્ટન શાહીન આફ્રિદીએ ટીમના પ્રદર્શન અને હારના કારણો પર ખુલીને વાત કરી હતી.
રિશાદ હુસૈનની સ્પિન બોલિંગે ફેરવી નાખી બાજી
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં શાહીન આફ્રિદીએ સ્વીકાર્યું હતું કે બાંગ્લાદેશના લેગ સ્પિનર રિશાદ હુસૈને શાનદાર બોલિંગ કરી મેચ પાકિસ્તાનના હાથમાંથી છીનવી લીધી હતી. શાહીને કહ્યું, “મને લાગે છે કે શરૂઆતની વિકેટો અમને ઘણી મોંઘી પડી, પરંતુ મને મારી ટીમ પર ગર્વ છે કારણ કે તેઓ અંત સુધી લડ્યા. રિશાદે ખરેખર ખૂબ જ સરસ બોલિંગ કરી, તે એક શ્રેષ્ઠ લેગ સ્પિનર છે.” તેણે સિરીઝ જીતવા બદલ બાંગ્લાદેશની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.
સલમાન અલી આગાના વખાણ કર્યા
હાર છતાં શાહીને મિડલ ઓર્ડર બેટ્સમેન સલમાન અલી આગાની સદીના ભારોભાર વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે, “સલમાન હંમેશા એક ટેસ્ટ અને વનડેમાં મિડલ ઓર્ડરમાં સારો ખેલાડી રહ્યો છે. તેને સ્પિન અને ફાસ્ટ બોલરો સામે રમવું ગમે છે. તેણે પાકિસ્તાન માટે લાંબા સમય સુધી રમીને ઘણી સારી ઈનિંગ્સ રમી છે.” શાહીને વધુમાં ઉમેર્યું કે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે અને તેઓ જેટલું વધુ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે, તેટલો જ તેમનો દેખાવ સુધરશે.
ત્રીજી વનડે મેચનો રોમાંચક અહેવાલ
મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તંજીદ હસન તમીમે શાનદાર બેટિંગ કરતા 107 બોલમાં 107 રન ફટકાર્યા હતા.
291 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 50 ઓવરમાં 279 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સલમાન અલી આગાએ 98 બોલમાં 106 રનની લડાયક ઈનિંગ રમી હતી, પરંતુ બીજા છેડે તેને પૂરતો સાથ ન મળતા પાકિસ્તાન 11 રનથી મેચ હારી ગયું હતું. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

