ટ્રમ્પની ટેરિફ નીતિ પર શરદ પવાર મોદી સરકારના પક્ષમાં, પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની પણ આપી સલાહ
નાગપુર: રાષ્ટ્રીયતાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને એનસીપી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારનો અપૂર્વ ટેકો મળ્યો છે. શનિવારે નાગપુરમાં એક પત્રકાર પરિષદમાં પવારે અમેરિકા તથા ટ્રમ્પની ટેરિફ નીતિ પર નિવેદન આપતાં કહ્યું કે, “ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લગાવવી ટ્રમ્પની દબાણ નીતિ છે. રાષ્ટ્રીય હિત માટે એવા સમયે આપણે સરકારની પાછળ ઊભા રહેવું જરૂરી છે.”
પવારે ઉલ્લેખ કર્યો કે વિદેશી દબાણ સામે દેશને એકત્વ બતાવવાની જરૂર છે. “અમે પોતાનું હિત બચાવીએ, એ માટે સરકારને ટેકો આપવો એ જવાબદારી છે,” તેમ પણ તેમણે ઉમેર્યું.
તેમણે ટ્રમ્પ વિશે કહ્યુ કે,
“ટ્રમ્પના કહેવા-કરવા પર કોઈનો કાબૂ નથી. તેઓ વિચાર્યા વિના નિવેદન આપી દે છે. એ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ.”
સાથે જ, પવારે પડોશી દેશો સાથે ભારતના ખરડાતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરી. “પાકિસ્તાન તો છે જ, પરંતુ હવે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ પણ આપણાથી અસંતોષ દાખવી રહ્યાં છે. આપણે આ તરફ ગંભીરતાથી નજર કરવી જોઈએ,” એમ પવારે કહ્યું.
પવારે પીએમ મોદીને સ્પષ્ટ સલાહ આપી કે પડોશી દેશો સાથે મિત્રતા મજબૂત કરવી જોઈએ અને વિદેશ નીતિમાં સંતુલન જાળવવું ખૂબ આવશ્યક છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે દબાણ વચ્ચે ભારતને પોતાની સ્થિતિ મજબૂત કરવી પડશે અને રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.