માત્ર રૂ. ૫/-માં પૌષ્ટિક ભોજન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ચાણક્યપુરીથી કરાવશે અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ
ગુજરાતના સર્વાંગી અને ઝડપી વિકાસમાં જો કોઈનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ફાળો હોય, તો તે પોતાના પરસેવાથી રાજ્યનું નિર્માણ કરનારા બાંધકામ શ્રમિકો છે. રાજ્ય સરકાર હંમેશાં આ શ્રમયોગીઓના કલ્યાણ અને સુખાકારી માટે સંવેદનશીલ રહી છે. આ જ દિશામાં એક વધુ મોટું અને કલ્યાણકારી કદમ ઉઠાવતા, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ચાલી રહેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો વ્યાપ રાજ્યભરમાં અભૂતપૂર્વ રીતે વધારવામાં આવી રહ્યો છે.
આવતીકાલે શુક્રવારે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં એક સાથે ૧૦૧ નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. આ નવા કેન્દ્રો શરૂ થવાથી રાજ્યમાં કાર્યરત અન્નપૂર્ણા કેન્દ્રોની કુલ સંખ્યા વધીને ૩૭૨ થઈ જશે. આ નિરંતર વિસ્તાર શ્રમિકોના જીવનમાં પોષણ અને આર્થિક રાહત લાવવા માટેની સરકારની દ્રઢ કટિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અમદાવાદથી શુભારંભ
આ રાજ્યવ્યાપી કલ્યાણકારી પ્રસંગનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંથી સ્વયં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો વિધિવત શુભારંભ કરાવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી માત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન જ નહીં કરે, પરંતુ શ્રમિક ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરતા તેમની સાથે સ્વયં બેસીને ભોજન પીરસીને તેમની સાથે સંવાદ પણ સાધશે. મુખ્યમંત્રીની આ ઉપસ્થિતિ શ્રમિકો માટે એક વિશેષ અને પ્રેરણાદાયી અનુભવ બની રહેશે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યોજાનારા લોકાર્પણ કાર્યક્રમોમાં વિવિધ મંત્રીઓ, સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ હાજર રહીને જે તે વિસ્તારના અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરશે.
માત્ર રૂ. ૫/-માં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધા
‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને ખૂબ જ ન્યૂનતમ દરે પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ નોંધાયેલા શ્રમિકોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. ૫/- ના પ્રતીકાત્મક દરે પેટભરીને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.
આ ભોજન થાળીમાં શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે:
દૈનિક ભોજન: તાજી રોટલી, મસાલેદાર શાક, પૌષ્ટિક કઠોળ, ગરમાગરમ ભાત, ચટાકેદાર અથાણું, તળેલાં મરચાં અને ગોળનો સમાવેશ થાય છે.
મિષ્ટાન્નનું વિતરણ: શ્રમિકોને અઠવાડિયામાં એક દિવસ ખાસ ગળી વાનગી જેમ કે સ્વાદિષ્ટ સુખડી અથવા શીરો પીરસવામાં આવે છે.
આ પૌષ્ટિક ભોજનથી શ્રમિકોને દિવસભર સખત મજૂરી કરવા માટે જરૂરી ઊર્જા મળે છે અને સાથે સાથે તેમના દૈનિક ભોજન પાછળ થતા ખર્ચમાં બચત થતાં મોટી આર્થિક રાહત પણ મળે છે.
દૈનિક ૪૫ હજાર શ્રમિકોને મળશે ભોજનનો લાભ
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો દ્વારા અત્યાર સુધીમાં દૈનિક સરેરાશ ૩૫ હજારથી વધુ ભોજન થાળીનું વિતરણ કરવામાં આવતું હતું. આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૦૫ કરોડથી પણ વધુ શ્રમિકોને સફળતાપૂર્વક ભોજન પૂરું પાડવામાં આવ્યું છે.
આવતીકાલે ૧૦૧ નવા કેન્દ્રો કાર્યરત થતાંની સાથે જ દૈનિક ભોજન વિતરણ ક્ષમતામાં ૧૦ હજારનો સીધો વધારો થશે. પરિણામે, હવે રાજ્યભરમાં દરરોજ અંદાજે ૪૫ હજાર શ્રમિકો આ કલ્યાણકારી યોજના હેઠળ માત્ર રૂ. ૫માં પૌષ્ટિક અને ભરપેટ ભોજન મેળવી શકશે.
કડિયાનાકાથી લઈને બાંધકામ સાઇટ સુધી: ‘ડોરસ્ટેપ ડિલિવરી’ સુવિધા
શ્રમિકોની સુવિધા અને સમયની બચતને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજનામાં ખૂબ જ વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે. શહેરોના વિવિધ કડિયાનાકાઓ પર સ્થાયી ભોજન વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે જેથી સવારે કામની શોધમાં નીકળતા શ્રમિકો સહેલાઈથી ભોજન મેળવી શકે.
આ ઉપરાંત, બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોને ભોજન માટે દૂર જવું ન પડે તે માટે ખાસ સુવિધા શરૂ કરાઈ છે:
જો કોઈ ચોક્કસ બાંધકામ સાઇટ પર ૫૦ કે તેથી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય, તો ત્યાં સીધું ભોજન પહોંચાડવા માટે ડોરસ્ટેપ ડિલિવરી (Doorstep Delivery) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અત્યાર સુધીમાં વિવિધ મોટા બાંધકામ સ્થળો પર જઈને જ અંદાજે ૨૭ લાખથી વધુ ભોજન થાળીનું વિતરણ કરવામાં આવ્યું છે.