મેષથી કુંભ: આ પાંચ ભાગ્યશાળી રાશિઓને શુક્ર ગોચરથી મળશે અપરંપાર લાભ
વૈભવ, ભૌતિક સુખ, આકર્ષણ અને સંપત્તિના કારક ગ્રહ શુક્રનું નક્ષત્ર પરિવર્તન જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૫૫ વાગ્યે શુક્ર ગ્રહ હસ્ત નક્ષત્રમાંથી બહાર નીકળીને મંગળના અધિપત્ય વાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળનું આ નક્ષત્ર મહેનત, ઝડપી નિર્ણયો અને પુરુષાર્થનું પ્રતીક છે. આથી, શુક્રના આ ગોચરથી વ્યાવસાયિક, આર્થિક અને વ્યક્તિગત જીવનમાં ચાલતી ધીમી પ્રક્રિયાઓને નવી ઝડપ મળશે.
જ્યોતિષી હર્ષવર્ધન શાંડિલ્યના જણાવ્યા મુજબ, ચિત્રા નક્ષત્રના પ્રથમ બે ચરણ કન્યા રાશિમાં અને બાકીના બે ચરણ શુક્રની પોતાની રાશી તુલામાં આવે છે. શુક્રનું આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ પાંચ ચોક્કસ રાશિઓ માટે તે વિશેષ લાભદાયી અને ભાગ્યોદય કરનારું સાબિત થશે.
મેષ રાશિ: કરિયરમાં નવી ઉર્જા અને સન્માન
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કરિયર ક્ષેત્રે ઉત્સાહજનક વાતાવરણ સર્જશે. કાર્યસ્થળ પર તમારી સખત મહેનત અને રચનાત્મક અભિગમ ઉપરી અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરશે. નવા પ્રોજેક્ટ્સની જવાબદારી મળવાથી તમારી વ્યાવસાયિક છાપ વધુ મજબૂત બનશે. વેપારીઓને જૂના ગ્રાહકો તરફથી ફરી મોટા ઓર્ડર મળી શકે છે. આવક વધારવાના નાના પ્રયાસો પણ લાંબા ગાળે આર્થિક દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં રહેલો મનમુટાવ વાર્તાલાપથી દૂર થશે.

મિથુન રાશિ: આવકના નવા સ્ત્રોત અને નાણાકીય રાહત
મિથુન રાશિ માટે આ ગોચર પ્રગતિની નવી તકો લઈને આવશે. નોકરીયાત વર્ગને નવી ઓફર કે મહત્વપૂર્ણ હોદ્દો મળી શકે છે. એક કરતાં વધુ માધ્યમો દ્વારા આવક ઊભી કરવાના પ્રયાસો સફળ થશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક રાહત અનુભવાશે. માર્કેટિંગ, કમ્યુનિકેશન અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવાની યોગ્ય તક મળશે અને નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે
તુલા રાશિ: વ્યક્તિત્વનો વિકાસ અને આર્થિક સમૃદ્ધિ
તુલા રાશિ માટે આ ગોચર અત્યંત ખાસ રહેવાનું છે, કારણ કે ચિત્રા નક્ષત્રના છેલ્લા બે તબક્કા તુલા રાશિ સાથે જ જોડાયેલા છે. કાર્યક્ષેત્રે તમારા વિચારો અને સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે. વ્યવસાયિક ક્ષેત્રે નવી ભાગીદારી કે મોટા સોદા નક્કી થઈ શકે છે. આવકમાં વધારો થવાની સાથે ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારા વ્યક્તિત્વનો પ્રભાવ અન્ય લોકો પર સ્પષ્ટપણે જોવા મળશે. પ્રેમ સંબંધોમાં જોડાયેલા લોકો લગ્ન અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે.

વૃશ્ચિક રાશિ: અટકેલા કામોમાં સફળતા અને સન્માન
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર કાર્યોને ગતિ આપશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ અચાનક પાટા પર આવી જશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો કોઈ સારો વિકલ્પ સામે આવી શકે છે. નાણાકીય આયોજન વધુ સુવ્યવસ્થિત બનશે. પારિવારિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવાથી સમાજ અને ઘરમાં તમારું માન-સન્માન વધશે. પ્રેમીપંખીડાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધશે.
કુંભ રાશિ: નેટવર્કિંગ અને નવી તકોથી લાભ
કુંભ રાશિના લોકો માટે આ નક્ષત્ર પરિવર્તન નેટવર્કિંગ અને આવકના સાધનો વધારવામાં મદદરૂપ થશે. કોઈ જૂના મિત્ર કે સંપર્ક દ્વારા કરિયરમાં નવો વળાંક આવી શકે છે. વ્યાપારમાં નવા ગ્રાહકો જોડાવાથી નફો વધશે. ટીમના સભ્યો સાથે મળીને કામ કરવાથી જટિલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકાશે. વિદ્યાર્થીઓને કળા અને સર્જનાત્મક ક્ષેત્રે આગળ વધવાની તક મળશે. પરિવાર સાથે ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા થશે.