ભારતની સંસ્કૃતિ અને સ્વાભિમાનનું પ્રતિક બન્યો સોમનાથ સ્વાભિમાન પર્વ, વડાપ્રધાનના આગમન પૂર્વે ઐતિહાસિક આયોજન
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો દબદબાભેર પ્રારંભ થયો છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઉત્સવની વિગતો આપતા જણાવ્યું હતું કે આ પર્વ ભારતની સંસ્કૃતિના રક્ષકોના સન્માન અને નવી પેઢીને આધ્યાત્મિકતા સાથે જોડવાનું એક સબળ માધ્યમ બન્યું છે. સોમનાથ મંદિર સાથે દેશના લાખો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે જે આ પર્વ દ્વારા વધુ ગાઢ બનશે.
વિશ્વ કલ્યાણ માટે અખંડ ઓમકાર જાપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સાકાર કરવા માટે સોમનાથમાં 72 કલાકનો અખંડ ઓમકાર જાપ શરૂ કરવામાં આવ્યો છે. ઋષિકુમારો દ્વારા કરવામાં આવી રહેલો આ મંત્રોચ્ચાર માનવ જાતિના મંગળ અને વિશ્વ શાંતિ માટે અત્યંત મહત્વનો ગણાઈ રહ્યો છે. શિવ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિના આ અનોખા સંગમથી સમગ્ર સોમનાથ પંથક ભક્તિમય બની ગયું છે. સાધુ સંતો દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય રેવાડીએ ભક્તોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો છે.
વડાપ્રધાનના સ્વાગતમાં શૌર્ય યાત્રા અને ડ્રોન શો
આગામી 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે ત્યારે તેમના અભિવાદન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 108 ઘોડાઓ સાથેની શૌર્ય યાત્રા અને આધુનિક ડ્રોન શો આ ઉત્સવના મુખ્ય આકર્ષણો બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની હાજરીમાં આ કાર્યક્રમ ઐતિહાસિક બનશે. વહીવટી તંત્ર દ્વારા રોશની અને સુવિધાઓનું એવું આયોજન કરાયું છે કે સોમનાથની દિવ્યતા ચારેકોર રેલાઈ રહી છે.
સરદાર પટેલની સ્મૃતિમાં સ્વાભિમાન પર્વ
મંત્રી વાઘાણીએ યાદ અપાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવીને રાષ્ટ્રના સ્વાભિમાનની પુનઃસ્થાપના કરી હતી. ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે બલિદાન આપનાર મહાન આત્માઓને યાદ કરવા માટે આ પર્વનું આયોજન છે. આ પવિત્ર અવસરે સોમનાથ આવતા લાખો ભક્તો માટે રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ હાજરી આપશે જે સૌરાષ્ટ્રના વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે.

