વંદે ભારત ટ્રેન અને ફોર લેન હાઈવેથી સોમનાથ પ્રવાસ બન્યો આસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સોમનાથના સુવર્ણ યુગની શરૂઆત થઈ રહી છે. તાજેતરના વર્ષોમાં કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાને કાર્યભાર સંભાળ્યા પછી અહીં યાત્રિકોની સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આગામી ૧૧ જાન્યુઆરીના રોજ તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઈને આ પવિત્ર ભૂમિના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
સોમનાથ મંદિરનો ઈતિહાસ ભવ્યતા અને સંઘર્ષની ગાથા સમાન રહ્યો છે. વર્ષ ૧૦૨૬માં ગઝનવી દ્વારા થયેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્યા છે, છતાં સોમનાથ આજે પણ પૂરા વૈભવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્ ૨૦૨૬માં જ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પણ પૂર્ણ થવાના હોવાથી આ સ્વાભિમાન પર્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના પુનરુત્થાનનું પ્રતીક બની ગયું છે.
આસ્થા અને આધુનિકતાનો સુભગ સમન્વય
સોમનાથ મંદિરમાં દર વર્ષે આશરે ૯૭ લાખ જેટલા શ્રદ્ધાળુઓ શિશ ઝુકાવવા માટે ઉમટી પડે છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૫ની મહાશિવરાત્રિ દરમિયાન સાડા ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો જે દર્શાવે છે કે આ જ્યોતિર્લિંગ પ્રત્યે લોકોની આસ્થા દિન પ્રતિદિન વધી રહી છે. શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન બુકિંગ અને પ્રસાદની ઘરબેઠા સુવિધા પણ હવે ઉપલબ્ધ બની છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું નવું વૈશ્વિક દ્વાર
યાત્રાધામ સોમનાથ સુધી પહોંચવા માટે હવે પરિવહન સેવાઓ અત્યંત સુલભ અને આરામદાયક બનાવવામાં આવી છે. અમદાવાદથી સીધી વંદે ભારત એક્સપ્રેસ અને જૈતપુર-સોમનાથ ફોર લેન હાઈવેને કારણે મુસાફરીનો સમય ઘણો ઘટ્યો છે. આ ઉપરાંત કેશોદ અને રાજકોટ એરપોર્ટની કનેક્ટિવિટી મળતા હવે વિદેશી પર્યટકો માટે પણ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું અત્યંત સરળ બની ગયું છે.
પર્યાવરણ જાળવણી અને નેટ ઝીરો અભિગમ
સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકે ઓળખાતું સોમનાથ હવે નેટ ઝીરો મંદિર બનવાની દિશામાં મક્કમ કદમ ભરી રહ્યું છે. મંદિરમાં વેસ્ટ મેનેજમેન્ટની આધુનિક સિસ્ટમ કાર્યરત છે જ્યાં ફૂલોમાંથી ખાતર બનાવી બિલ્વના વૃક્ષો ઉછેરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક્સ બનાવવાની પ્રવૃત્તિ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી મળવાની સાથે પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે.
જળ સંરક્ષણ અને કુદરતી વાતાવરણની જાળવણી
ટ્રસ્ટ દ્વારા વર્ષા જળ સંગ્રહ માટે અનેક કુવાઓ અને જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના દ્વારા લાખો લીટર પાણી બચાવવામાં આવે છે. શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા તૈયાર થતું પાણી ખેતી અને બાગાયત માટે વાપરવામાં આવે છે જે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું વન સમુદ્રી પવનોથી રક્ષણ આપે છે અને કાર્બન શોષવામાં મદદ કરે છે.
ડિજિટલ દુનિયામાં સોમનાથનો ડંકો
આધુનિક યુગમાં સોમનાથ માત્ર ભૌતિક રીતે જ નહીં પણ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અત્યંત લોકપ્રિય બન્યું છે. ગૂગલ પર ભારતીયો દ્વારા સર્ચ કરવામાં આવતા ટોચના ૧૦ સ્થળોમાં સોમનાથનું સ્થાન છે જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧.૩૭ અબજથી વધુ ઈમ્પ્રેશન મેળવીને સોમનાથે વિશ્વભરના હિન્દુઓની શ્રદ્ધાને ડિજિટલ માધ્યમથી જોડી છે.

