રાજભા ગઢવીના વીરરસ અને શિવ ભક્તિના સંગીતથી ગુંજી ઉઠ્યો સોમનાથ સ્વાભિમાન પર્વનો મંચ
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિરના સાનિધ્યમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં ૯ જાન્યુઆરીની રાત્રિ યાદગાર બની રહી હતી. સમુદ્રની લહેરોનો નાદ, સોમનાથ મહાદેવની દિવ્ય ઉપસ્થિતિ અને સંગીતના સૂર વચ્ચે ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં પ્રસિદ્ધ ગાયક કીર્તિ સાગઠીયા અને લોકગાયક કરસન સાગઠીયાની જોડીએ શિવ ભજનો અને પ્રાચીન ગરબાની એવી પ્રસ્તુતિ કરી કે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું.
લોકસંગીત અને શિવ સ્તુતિની જમાવટ
કાર્યક્રમમાં કલાકાર હાર્દિક દવેએ એકતારાના સૂર સાથે શિવ સ્તુતિ અને પાનબાઈના ભજનોની એવી રજૂઆત કરી કે શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. ભક્તિમય સંગીતની લહેરો વચ્ચે ભક્તોએ લોકસંસ્કૃતિનો અનોખો લ્હાવો લીધો હતો. આ રાત્રિ દરમિયાન સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને દેશના ખૂણેખૂણેથી આવેલા યાત્રિકોએ ગુજરાતની આધ્યાત્મિક પરંપરા અને સાહિત્યિક વારસાને માણ્યો હતો જે ખરેખર એક અલૌકિક અનુભૂતિ સમાન રહ્યો હતો.
રાજભા ગઢવીના સાહિત્યથી દેશભક્તિનો માહોલ
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્યના વિવિધ રસો પીરસીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે સોમનાથના ઐતિહાસિક પ્રસંગો અને શૌર્યગાથાઓનું વર્ણન કર્યું ત્યારે સમગ્ર સંકુલમાં શિવભક્તિની સાથે દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. ઐતિહાસિક વાતો અને વીરરસની વાણીએ યુવાનો અને વૃદ્ધો સૌમાં નવો જોમ ભર્યો હતો. લોક સાહિત્યની આ સફર દ્વારા સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કરવામાં આવ્યો હતો.
મહાનુભાવો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ
આ અવસરે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ આ ભક્તિ સંધ્યાના સાક્ષી બન્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો અને સ્થાનિક લોકોએ કલાકારોને વધાવ્યા હતા. આ કાર્યક્રમથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉત્સવ વધુ સ્મરણીય અને ગૌરવપૂર્ણ બન્યો છે જે ગુજરાતની ભવ્ય વિરાસતનું દર્શન કરાવે છે.



