કેપ્ટનને બહાર બેસાડવાનો નિર્ણય, બીજા વનડેમાં આ ખેલાડીને મળી તક; શું ટીમ જીતશે?
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં આફ્રિકન ટીમે શાનદાર પ્રદર્શન કરતા 98 રનથી જીત મેળવી અને સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી. જોકે, હવે બીજી વનડે મેચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સાઉથ આફ્રિકાના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ટીમની કમાન એડન માર્કરામના હાથમાં સોંપવામાં આવી છે.
ટેમ્બા બાવુમાને શા માટે આરામ અપાયો?
પ્રથમ વનડેમાં ટેમ્બા બાવુમાએ 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. તેમ છતાં, તેમને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, ટીમ મેનેજમેન્ટ તેમનો વર્કલોડ મેનેજ કરવા માંગે છે. બાવુમા તાજેતરમાં જ હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં, સિરીઝની મહત્વપૂર્ણ મેચો અને આગામી મોટી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને, તેમને બીજી વનડેમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
એડન માર્કરામને મળી કેપ્ટનશીપ
બાવુમાની ગેરહાજરીમાં એડન માર્કરામ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. માર્કરામ અગાઉ પણ વનડેમાં આફ્રિકાની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે અને તેમની પાસે અનુભવની કોઈ કમી નથી. ટોસ દરમિયાન તેમણે જણાવ્યું કે ટીમ પહેલા બેટિંગ કરશે અને આશા છે કે બેટ્સમેન મોટો સ્કોર ઊભો કરશે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર
બીજી વનડેમાં આફ્રિકન ટીમે કેટલાક ફેરફાર કર્યા છે. બાવુમાની જગ્યાએ ટોની ડી જોર્જીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે, સ્પિનર સુબ્રાયનની જગ્યાએ સેનુરન મુથુસ્વામીને તક આપવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
- રાયન રિકેલ્ટન (વિકેટકીપર)
- એડન માર્કરામ (કેપ્ટન)
- ટોની ડી જોર્જી
- મેથ્યુ બ્રીટ્ઝકે
- ટ્રિસ્ટન સ્ટબ્સ
- ડેવાલ્ડ બ્રેવિસ
- વિયાન મુલ્ડર
- કેશવ મહારાજ
- સેનુરન મુથુસ્વામી
- નાન્દ્રે બર્ગર
- લુંગી એનગિડી
ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફાર
ઓસ્ટ્રેલિયા તરફથી પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. બેન ડ્વાર્શિયસની જગ્યાએ ઝેવિયર બાર્ટલેટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન મિશેલ માર્શે કહ્યું કે પિચ બેટિંગ માટે સારી લાગી રહી છે અને ટીમ પહેલા બોલિંગ કરીને સાઉથ આફ્રિકાને ઓછા સ્કોર પર રોકવાનો પ્રયાસ કરશે.
હવે એ જોવું રસપ્રદ રહેશે કે કેપ્ટન વગર મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ જીતની ગતિ જાળવી રાખી શકે છે કે નહીં.
