T20 વર્લ્ડ કપ 2026: શ્રીલંકાની હાર બાદ કેપ્ટન દાસુન શનાકાનો આક્રોશ, ‘નકારાત્મકતા’ પર આપ્યું મોટું નિવેદન
ICC T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થયા બાદ શ્રીલંકન ક્રિકેટમાં શોકનો માહોલ છે. ન્યુઝીલેન્ડ સામેના મહત્વના મુકાબલામાં 61 રને મળેલી હાર બાદ શ્રીલંકાની સેમીફાઈનલની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ કારમી હાર બાદ કેપ્ટન દાસુન શનાકા ભારે નિરાશ જોવા મળ્યા હતા અને તેમણે ટીમની નિષ્ફળતા માટે મેદાનની અંદરના પ્રદર્શનની સાથે સાથે બહારના વાતાવરણને પણ જવાબદાર ગણાવ્યું હતું.
કેમ બહાર ફેંકાઈ શ્રીલંકન ટીમ?
શ્રીલંકા આ વખતે વર્લ્ડ કપનું સહ-યજમાન હતું અને ઘરઆંગણે રમી રહ્યું હતું. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને શ્રીલંકાએ સુપર-8 માં જગ્યા બનાવી ત્યારે ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. પરંતુ, ગ્રુપ સ્ટેજમાં ઝિમ્બાબ્વે સામે મળેલી હાર બાદ ટીમનું મનોબળ તૂટી ગયું હોય તેમ લાગતું હતું. શનાકાએ જણાવ્યું કે ટીમની બહાર થવા પાછળ ત્રણ મુખ્ય કારણો હતા
પિચો બોલરો માટે વધુ પડતી અનુકૂળ હતી.
મુખ્ય ખેલાડીઓની ફિટનેસમાં ઉણપ.
ટીમને ઘેરી વળેલી ભારે નકારાત્મકતા.
નકારાત્મક ટિપ્પણીઓ પર શનાકાનો પ્રહાર
કેપ્ટન શનાકાએ ખાસ કરીને સોશિયલ મીડિયા અને બહાર થતી ટીકાઓ પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “અમે ગમે તેટલા હકારાત્મક રહેવાનો પ્રયત્ન કરીએ, પરંતુ બહાર ખૂબ જ નકારાત્મકતા ફેલાયેલી છે. સ્ટેડિયમની બહાર માઇક્રોફોન લઈને ઉભેલા લોકો મેચ જોયા વગર પણ ગમે તે બોલતા હોય છે. આ શ્રીલંકન ક્રિકેટ માટે મોટું નુકસાન છે. જો આ જ હાલત રહી તો આપણે આ રમતને કેવી રીતે બચાવીશું તે મોટો પ્રશ્ન છે.” શનાકાએ તો ત્યાં સુધી કહ્યું કે હવે કદાચ સરકારે હસ્તક્ષેપ કરીને આવનારી પેઢીના ખેલાડીઓને આવી નકારાત્મકતાથી બચાવવા પડશે.
બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન
છેલ્લી બે મેચોમાં શ્રીલંકન બેટ્સમેનો સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. ઇંગ્લેન્ડ સામે આખી ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ન્યુઝીલેન્ડ સામે પણ માત્ર 107 રન જ બનાવી શકી હતી. આ બાબતે શનાકાએ બેટ્સમેનોને આડે હાથ લેતા કહ્યું, “ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ જવાબદારી લેવી પડશે. આપણે માત્ર એક-બે ખેલાડીઓ પર નિર્ભર ન રહી શકીએ. T20 ક્રિકેટમાં જો તમે રિસ્ક નહીં લો અને પોઝિટિવ ઇન્ટેન્ટ નહીં બતાવો, તો કશું જ હાંસલ નહીં થાય.”

