ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે અમેરિકાનો આઘાતજનક નિર્ણય: ‘પોતાની સુરક્ષા જાતે કરો’, નાગરિકોને ટ્રમ્પ સરકારનો આદેશ
મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધ અને ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓ વચ્ચે અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે જેનાથી ઈઝરાયેલમાં વસતા લાખો અમેરિકી નાગરિકો ફાળ પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે ઈઝરાયેલમાં ફસાયેલા અમેરિકી નાગરિકોએ પોતાની સુરક્ષા અને ત્યાંથી બહાર નીકળવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. અમેરિકી દૂતાવાસે ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું નિવેદન જારી કરીને પોતાના નાગરિકોને રેસ્ક્યુ કરવાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.
દૂતાવાસની સ્પષ્ટ ચેતવણી: ‘અમે મદદ કરવાની સ્થિતિમાં નથી’
યરૂશલેમ સ્થિત અમેરિકી દૂતાવાસે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, જે નાગરિકો ઈઝરાયેલ છોડીને જવા માંગતા હોય તેમણે ઈઝરાયેલ સરકારનો સંપર્ક કરવો જોઈએ. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તે લોકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવશે નહીં. નિવેદનમાં જણાવાયું છે કે, “વર્તમાન સંજોગોમાં અમે નાગરિકોની મદદ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. જો કોઈ સરહદ સુધી પહોંચવા માંગતું હોય તો તે પોતાના જોખમે જાય, રસ્તામાં થતી કોઈપણ દુર્ઘટના માટે દૂતાવાસ જવાબદાર રહેશે નહીં.”
રેસ્ક્યુ માટે કોઈ પ્લાન નથી, ખાનગી ટેક્સીનો આશરો લેવા સૂચના
અમેરિકી સરકારે નાગરિકોને સૂચના આપી છે કે જો તેઓ શટલ સેવાનો ઉપયોગ ન કરવા માંગતા હોય, તો તેઓ ખાનગી ટેક્સી ભાડે કરીને બોર્ડર પાર કરી શકે છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઈઝરાયેલની સરહદ છોડ્યા પછી આ નાગરિકો સુરક્ષિત રીતે વોશિંગ્ટન કે અમેરિકા કેવી રીતે પહોંચશે, તે અંગે ટ્રમ્પ સરકારે કોઈ રોડમેપ આપ્યો નથી. આ અનિશ્ચિતતાએ ત્યાં રહેતા પરિવારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
3 લાખ અમેરિકી નાગરિકોના જીવ અધ્ધર
આંકડાઓ મુજબ, ઈઝરાયેલમાં આશરે 3 લાખ જેટલા અમેરિકી નાગરિકો વસે છે, જેમાંથી મોટાભાગના લોકો પાસે બેવડી નાગરિકતા (Dual Citizenship) છે. આમાંના મોટાભાગના લોકો યહૂદી સમુદાયના છે. અત્યારે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે અમેરિકા પરત લઈ જવા એ વહીવટીતંત્ર માટે અત્યંત મુશ્કેલ કાર્ય બની ગયું છે.
હવાઈ માર્ગો બંધ થતા મુશ્કેલી વધી
ઈરાને માત્ર ઈઝરાયેલ જ નહીં, પરંતુ મધ્ય પૂર્વના અન્ય 12 દેશો – જેમાં UAE, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, ઓમાન અને કુવૈતનો સમાવેશ થાય છે – તેના પર પણ હુમલા કર્યા છે. આ વ્યાપક હુમલાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં હવાઈ વાહનવ્યવહાર (Air Traffic) ખોરવાઈ ગયો છે. ફ્લાઈટ્સ રદ થવાને કારણે અને આકાશમાં યુદ્ધ વિમાનોની અવરજવરને લીધે નાગરિકોને બહાર કાઢવા માટે કોઈ સુરક્ષિત માર્ગ બચ્યો નથી.
અત્યાર સુધી અમેરિકા હંમેશા દુનિયાના કોઈપણ ખૂણે ફસાયેલા પોતાના નાગરિકો માટે સ્પેશિયલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે જાણીતું હતું, પરંતુ ટ્રમ્પ સરકારના આ ‘સ્વ-સુરક્ષા’ના આદેશે ઘણા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.

