“તહેવારો કરતા વિકાસ વધુ મહત્વનો”: કોલકાતા મેટ્રો પ્રોજેક્ટમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટની મમતા સરકારને ફટકાર
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા મેટ્રો પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ અને રાજ્ય સરકારના વલણ સામે કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસના કામો રોકવા માટે તહેવારોને બહાનું બનાવી શકાય નહીં. જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે રાજ્ય સરકારના જક્કી વલણની આકરી નિંદા કરી છે.
રાજકીય હિતો કરતા જનહિત સર્વોપરી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને મેટ્રો પ્રોજેક્ટનું રાજનીતિકરણ કરવા બદલ ઠપકો આપ્યો હતો. હકીકતમાં, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તહેવારોના આયોજનને કારણે તેઓ મેટ્રોના નિર્માણ કાર્ય માટે પોલીસ સહાય પૂરી પાડી શકે તેમ નથી. આ દલીલ પર નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ બાગચીએ કહ્યું, “તમારા માટે તહેવારો વિકાસ કરતા પણ વધુ મહત્વના છે? અમે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને આ રીતે કોર્ટના દરવાજે આવીને મદદ માંગતા જોવા નથી માંગતા. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય પરિષદની જાહેરાત પહેલાનો છે, અને અમે તમને તેને રોકવા માટે વધુ એક બહાનું નહીં આપીએ.”
વિકાસના કામોમાં અડચણ ઊભી કરવાનું વલણ
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, રાજ્ય સરકારનું આ વલણ માત્ર અધિકારીઓની જિદ્દ દર્શાવે છે, જેઓ કોલકાતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટને અટકાવવા અથવા તેમાં વિલંબ કરવા માંગે છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, “અમને એ બિલકુલ પસંદ નથી કે રાજ્ય સરકાર દર વખતે પોતાનો બચાવ કરવા કોર્ટ પાસે આવે. દરેક બાબતનું રાજનીતિકરણ કરવાનું બંધ કરો, કારણ કે આ સીધો વિકાસ સાથે જોડાયેલો મુદ્દો છે.” ચીફ જસ્ટિસે પણ ટિપ્પણી કરી હતી કે હાઈકોર્ટે આ મામલે ઘણો સંયમ રાખ્યો છે, જ્યારે રાજ્યના સત્તાધીશો તરફથી ગંભીર ભૂલો થઈ છે.
સરકારનો બચાવ અને કોર્ટની અસંમતિ
સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે જાહેર સુરક્ષા અને જરૂરી સેવાઓનો હવાલો આપીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે, જે કોરિડોરમાં કામ ચાલી રહ્યું છે ત્યાંથી એમ્બ્યુલન્સ અને અંગ પ્રત્યારોપણ (Organ Transplant) માટેના વાહનો પસાર થાય છે, તેથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તેમને વધુ સમયની જરૂર છે. જોકે, સુપ્રીમ કોર્ટની બેંચ આ દલીલોથી સંતુષ્ટ થઈ ન હતી અને પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

