Surat News સુરત ડિજિટલ અરેસ્ટ: માસ્ટર માઈન્ડ કોણ અને ક્યાં? આમીર પાસે આર્થિક માફિયા જનરલ ફેમિલીની છે ટોટલ કુંડળી, આમીરની ફેમિલી પર કોણ કરી રહ્યું છે પ્રેશર?
Surat News સુરતના ઘોડદોડ ખાતે રહેતા સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ થકી બ્લેક મેઈલ કરી કરોડ રુપિયા ખંખેરી લેવાના કેસની તપાસમાં મહત્વની કડી મનાતો આમીર નામનો શખ્સ હાલ તો પોલીસ તપાસથી ભાગતો ફરી રહ્યો છે. પરંતુ આમીરને રુપિયા કમાવવાની લાલચ આપી ક્મ્બોડીયા વાયા ચીન અને દુબઈ સુધી ફેલાયેલા હવાલા રેકેટની આશંકા વચ્ચે આર્થિક માફિયાઓ એવા જનરલ ફમિલીની આખી કુંડળીને પોલીસ ફંફોસી રહી છે. ટૂંક સમયમાં મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા જોવા મળી રહી છે.
વિશ્વસનીય માહિતી મુજબ આખાય કાંડનો માસ્ટર માઈન્ડ દુબઈ બેસીને સમગ્ર ખેલ કરી રહ્યો છે.
આમીર પાસે જનરલ ફેમિલીની આખીય કૂંડળી છે. સોશિયલ મીડિયા એપ પર 500 એકાઉન્ટમાં થયેલી નાણાકીય હેરાફેરીનો આખો ડેટા આમીર પાસે હોવાની પોલીસને શંકા છે. જેથી કરીને કોઈ પણ સંજોગોમાં આમીરને ઝડપી લેવા પોલીસે તપાસને વેગવંતી બનાવી દીધી છે. આમીરને ઝડપવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસે આમીરના ઘરે હાજર થવાનું સમન્સ પહેલાથી જ હાથોહાથ આપી દીધું છે.
બીજી તરફ આખાય કોભાંડનો ગાળીયો આમીર પર જ રહે તે માટે
કેટલાક મળતીયાઓ દ્વારા આમીરની ફેમિલી પર પ્રેશર કરવામા આવી રહ્યું હોવાની જાહેર ચર્ચા ચોકબજાર-ભાગાતળાવ વિસ્તારમાં થઈ રહી હોવાની વાત મીડિયા સુધી પહોંચી રહી છે. આમીર સુધી જ તપાસ થાય અને માસ્ટર માઈન્ડ તેમજ અન્ય કૌભાંડીઓ સુધી તપાસ ન થાય તેના માટે વિવિધ પ્રકારના પ્રલોભનો અને લાલચ આપવામાં આવી રહી છે.સેટલમેન્ટ કરીને મામલાને રફેદફે કરવાની ફિરાકમાં આ આર્થિક માફિયાઓ હોવાની ચર્ચા ચાલી રહી છે.
અગાઉ જણાવ્યું તેમ આર્થિક માફિયા જનરલ ફેમિલી સાથે ધરોબો ધરાવતા
અશફાક,ઉંમર અને યુસુફ દ્વારા કેટલાક યુવાનોને રુપિયાની લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે લઈને લોકોને ડરાવી, ધમકાવીને રુપિયા ઉસેટી લેવાનો કૌભાંડ વર્ષોથી ચાલી આવી રહ્યું છે. આ જનરલ ફેમિલીનાં આર્થિક માફિયાઓ યેનકેન રીતે પોલીસ તપાસમાથી છટકી જતા હોવાની ચર્ચા ચાલી રહી છે આ અંગે પોલીસ તપાસ કરશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા હવાલા કૌભાંડ અને મની લોન્ડરીંગનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ આર્થિક માફિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટનું રેકેટ કમ્બોડીયાથી લઈ ચીન, દુબઈ અને ભારત દેશમાં ચલાવવામાં આવી રહ્યું હોવાની આશંકા છે. સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા આર્થિક માફિયાઓ કેસ કર્યો છે. જોકે, આ પહેલાં મુંબઈના ડોંગરી પોલીસ સ્ટેશનમાં ઉંમરની સામે તપાસ કરવામાં આવી હતી. 19-04-2024માં જનરલ ફેમિલીના ઉંમરની ધરપકડ સુદ્વાં કરવામાં આવી હતી જ્યારે અન્ય એકને યેનકેન રીતે સમગ્ર કેસમાંથી છટકાવી દેવામાં આવ્યો હતો.
વિગતો મુજબ પોલીસ તપાસનો રેલો જનરલ ફેમિલી સુધી પહોંચે
તે પહેલાં આમીર પીરભાઈ ભાગી છૂટ્યો છે જ્યારે જનરલ પિતા-પુત્રો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એવી ચર્ચા છે કે ભાગાતળાવ વિસ્તારમા મોટાપાયા ચાલી રહેલા વ્યાજખોરીના ગોરખધંધામાં પણ જનરલોની ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવી રહ્યું છે. ડિજિટલ અરેસ્ટ અને હવાલા રેકેટમાં જમાઈ અહેમદની પણ સંડોવણી હોવાની પ્રબળ શંકા દર્શાવવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં એક પછી એક મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. હાલમાં પોલીસે 8 જેટલા લોકોની ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ધરપકડ કરી છે.