ગૌરવ પથ રોડ પર ડ્રેનેજની અધૂરી કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત; ધારાસભ્ય પૂર્ણેશ મોદીના પત્રની પણ પાલિકા પર કોઈ અસર નહીં
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી વિકાસની વાતો વચ્ચે એક એવી તસવીર સામે આવી છે, જે તંત્રની ઘોર બેદરકારી અને આળસની ચાડી ખાય છે. શહેરના જાણીતા ગૌરવ પથ રોડ પર છેલ્લા પાંચથી છ મહિનાથી સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવા માટે પાલિકા દ્વારા આખેઆખો ડામર રોડ ખોદી તો નાખવામાં આવ્યો, પરંતુ કામ પૂરું થયા બાદ તેનું યોગ્ય પુરાણ કે સમારકામ કરવામાં ન આવતા આજે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
‘સૂર્યમ્ પ્રાઇમ’ અને ‘શુભમ રેસિડેન્સી’ ના રહીશો કાદવ-કીચડના બંધક બન્યા
આ અધૂરી કામગીરીની સૌથી માઠી અસર ગૌરવ પથ રોડ પર આવેલી સૂર્યમ્ પ્રાઇમ અને શુભમ રેસિડેન્સી ના રહીશો પર પડી રહી છે. તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કર્યા બાદ માટી અને કાટમાળ રસ્તા પર જ એમ જ છોડી દેવાયો છે. સામાન્ય દિવસોમાં તો ધૂળની ડમરીઓથી લોકો પરેશાન હતા જ, પરંતુ હવે ચોમાસું માથે છે ત્યારે પ્રી-મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
હળવા વરસાદમાં પણ આ આખો વિસ્તાર કાદવ-કીચડમાં ગરકાવ થઈ જાય છે. સોસાયટીમાંથી બહાર નીકળવું કે વાહન લાવવું એ સ્થાનિકો માટે એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ રસ્તા પરથી પસાર થવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. અનેક વાહનચાલકો આ લપસણા માર્ગ પર સ્લિપ થઈ ચૂક્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે.
ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના પત્રની પણ અવગણના
સ્થાનિક લોકોની આ વેદના અને વારંવારની રજૂઆતો બાદ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ આ મામલે એક્શનમાં આવ્યા હતા. તેમણે સ્થાનિક રહીશોની હાલાકીને સમજીને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનરને એક સત્તાવાર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ચોમાસું શરૂ થાય તે પહેલાં આ બિસ્માર રોડનું યુદ્ધના ધોરણે સમારકામ કરવા અને ડ્રેનેજ લાઇનનું પુરાણ યોગ્ય રીતે પૂરું કરવા કડક સૂચના આપી હતી.
પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, ખુદ સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતા અને ધારાસભ્યના પત્રની પણ સુરત પાલિકાના અધિકારીઓ પર કોઈ અસર થઈ નથી. પત્ર લખાયાને દિવસો વીતી ગયા હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર પગલાં કે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. તંત્રની આ ‘આંખ આડા કાન’ કરવાની નીતિથી હવે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.
કોર્પોરેટરો અને પાલિકા અધિકારીઓ સામે જનતામાં ભારે રોષ
પાલિકાની આ આળસ અને ઉદાસીનતાના કારણે સ્થાનિક રહીશોમાં સ્થાનિક કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે,
“જ્યારે ટેક્સ વસૂલવાનો હોય ત્યારે પાલિકા સમયસર નોટિસો મોકલી આપે છે, પણ જ્યારે પાયાની સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે વહીવટી તંત્ર પંગુ સાબિત થાય છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદી જેવા મોટા નેતાની રજૂઆતને પણ જો પાલિકા ઘોળીને પી જતી હોય, તો સામાન્ય નાગરિકની સંભાળ કોણ રાખશે?”
ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જો આ રોડનું તાકીદે નવીનીકરણ કરવામાં નહીં આવે, તો આખો રસ્તો બેસી જવાની કે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. સ્થાનિક લોકો હવે સોશિયલ મીડિયા પર અને મીડિયા સમક્ષ આવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

