સુરત શહેર-જિલ્લામાં કાળાબજારી રોકવા ગેસ એજન્સીઓ પર ઓબ્ઝર્વર નિયુક્ત, દૈનિક સ્ટોક પર કડક ચેકિંગ
ઈરાન અને ઈઝરાઈલ વચ્ચેની યુદ્ધની સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સુરત શહેર અને જિલ્લામાં રાંધણ ગેસની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને જિલ્લા પુરવઠા તંત્રએ નાગરિકોની સુવિધા માટે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. તંત્ર દ્વારા સુરતની અંદાજે ૭૫ ગેસ એજન્સીઓ પર સરકારી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ વેપારી કે એજન્સી સંજોગોનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર સંગ્રહખોરી ન કરી શકે.
ગેસ વિતરણ પર દેખરેખ માટે ખાસ ‘ઓબ્ઝર્વર’ની નિમણૂક
ગેસ વિતરણની સમગ્ર વ્યવસ્થા પારદર્શક બને તે માટે નાયબ મામલતદાર, તલાટી અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓને ‘ઓબ્ઝર્વર’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ દરેક ગેસ એજન્સી પર પ્રત્યક્ષ હાજર રહીને વિતરણ પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. ઝોન અને તાલુકા કક્ષાએ પણ ખાસ તપાસ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ કરશે અને ગેસ પૂરવઠો દરેક ઘર સુધી સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરશે.
એજન્સીઓના દૈનિક સ્ટોક અને બુકિંગ પર બાજ નજર
નિયુક્ત કરાયેલા સરકારી અધિકારીઓ ગેસ એજન્સીઓની દૈનિક કામગીરી પર ઝીણવટભરી નજર રાખશે. એજન્સી પાસે દરરોજ કેટલો સ્ટોક ઉપલબ્ધ છે, નવા કેટલા બુકિંગ થયા છે અને તેની સામે કેટલી ડિલિવરી કરવામાં આવી છે, તે તમામ વિગતોની ચકાસણી કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે અને કોઈ પણ બહાના હેઠળ ડિલિવરીમાં વિલંબ ન કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
ગેરરીતિ કરનાર એજન્સીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી
સુરત જિલ્લા વહીવટીતંત્ર સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પુરવઠા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ ગેસ એજન્સી કાળાબજારી, સંગ્રહખોરી કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલી જણાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને રાંધણ ગેસ મેળવવામાં કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે તંત્ર ૨૪ કલાક સતર્ક રહીને કામ કરી રહ્યું છે.

