સુરતના નાસીર નગરમાં કથિત ‘નકલી’ ડિમોલિશનનો હાઈપ્રોફાઈલ વિવાદ: ૯ દિવસ છતાં સસ્પેન્સ યથાવત, ૧૦૦ પરિવારો બેઘર થતાં કોંગ્રેસ મેદાને, ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા નાસીર નગરમાં બહુચર્ચિત કથિત ‘નકલી’ ડિમોલિશનના મામલાને આજે પૂરા નવ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે. આટલા દિવસો થવા છતાં હજુ સુધી વહીવટી તંત્ર કે પોલીસ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આખરે આ ડિમોલિશન સત્તાવાર રીતે કોના આદેશથી અને કયા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની આ ભેદી ચુપકીદી વચ્ચે, છેલ્લા ૫૦-૫૦ વર્ષથી ત્યાં સ્થાયી થયેલા અંદાજે ૧૦૦ જેટલા ગરીબ શ્રમજીવી પરિવારો કાળઝાળ ગરમી અને મુશ્કેલ પરિસ્થિતિમાં ખુલ્લા આકાશ નીચે બેઘર બનીને જીવવા મજબૂર બન્યા છે. હજુ સુધી આ અસરગ્રસ્તો માટે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક આવાસ કે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
આ અમાનવીય ઘટનાને લઈને સ્થાનિક રહીશો અને વિપક્ષ કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગરીબ પ્રજાને ન્યાય અપાવવા અને આ કથિત કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સુરત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે ખુલ્લેઆમ મેદાને આવ્યા છે.\
બિલ્ડરના ઇશારે પોલીસ અને પાલિકાએ હાથ કાળા કર્યાનો ગંભીર આરોપ
નાસીર નગરના અસરગ્રસ્તો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) અને સ્થાનિક પોલીસ તંત્ર પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો સીધો આરોપ છે કે, એક મોટા બિલ્ડરના કરોડો રૂપિયાના સ્વાર્થ અને ઇશારે સુરત પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગે ભેગા મળીને પોતાના ‘હાથ કાળા’ કર્યા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ડિમોલિશનના દિવસે પાલિકા અને પોલીસના કાફલાએ ત્યાં આવીને ગરીબ પરિવારો પર બળજબરી કરી, ડર અને દબાણનું એવું વાતાવરણ ઊભું કર્યું કે લોકો પોતાના ઘર ખાલી કરવા મજબૂર બન્યા. પરિવારોને સરખો સામાન સરખો કરવાનો મોકો આપ્યા વિના જ જેસીબી મશીનો ફેરવી દેવાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા કાયદેસરની નોટિસ આપ્યા વિના જ કથિત ‘નકલી’ ઓર્ડરના જોરે કરવામાં આવી હોવાનો ગણગણાટ છે.
પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના ધામા: ફોજદારીની માંગ
ગરીબોના આશિયાના છીનવાઈ જવાની આ લડતને ન્યાયિક વળાંક આપવા માટે કોંગ્રેસનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત પોલીસ કમિશનરની કચેરીએ રૂબરૂ પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓ દ્વારા પાલિકા કમિશનરને એક વિગતવાર લેખિત ફરિયાદ સોંપવામાં આવી છે.
આ ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા કે પૂર્વ નોટિસ વિના કયા અધિકાર હેઠળ આ ડિમોલિશન કરવામાં આવ્યું તેની તટસ્થ તપાસ થાય. આ સાથે જ બિલ્ડર સાથે મિલીભગત ધરાવતા અને આ ગેરકાયદેસર ડિમોલિશનમાં સીધી રીતે સંડોવાયેલા તમામ કસૂરવાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે તાત્કાલિક ધોરણે ફોજદારી ગુનો (FIR) દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
ન્યાય નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી
કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે નવ-નવ દિવસથી રઝળતા થયેલા આ ૧૦૦ પરિવારો સાથે ઘોર અન્યાય થયો છે. જો આગામી દિવસોમાં આ ગરીબ પ્રજાને યોગ્ય ન્યાય નહીં મળે, તેમના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે અને કસૂરવારો જેલ ભેગા નહીં થાય, તો કોંગ્રેસ પક્ષ અસરગ્રસ્ત પરિવારોને સાથે રાખીને સુરત કમિશનર કચેરીની બહાર ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન શરૂ કરશે, જેની તમામ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની રહેશે.
ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધો સંવાદ: ‘વોક થ્રુ’ અને ‘વન ટુ વન’
નાસીર નગરની મુલાકાત દરમિયાન ગ્રાઉન્ડ ઝીરો પરથી મીડિયા સમક્ષ નેતાઓએ આક્રોશ ઠાલવ્યો હતો:
અસલમ સાયકલવાળા (સીનિયર કોંગ્રેસ નેતા):
“આ ડિમોલિશન નથી, પણ કાયદાનું ખૂન છે! ૫૦ વર્ષથી અહીં રહેતા પરિવારોને રાતોરાત બેઘર કરી દેવાયા. જો આ ડિમોલિશન કાયદેસર હતું, તો પાલિકા સત્તાવાર રીતે કેમ નથી કહેતી કે ઓર્ડર કોણે આપ્યો? નવ દિવસ થઈ ગયા છતાં કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. સાબિત થાય છે કે આ આખો ખેલ બિલ્ડર લોબી અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ખેલાયો છે. અમે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવનારા એક પણ અધિકારીને છોડીશું નહીં, લડત આરપારની રહેશે.”
અસદ જરીવાળા (કોંગી કોર્પોરેટર):
“એક તરફ સરકાર ગરીબોને આવાસ આપવાની વાતો કરે છે અને બીજી તરફ કાળઝાળ ગરમીમાં ૧૦૦ પરિવારોના આશિયાના છીનવી લેવાય છે. આ પરિવારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરાઈ? અમે કમિશનરને મળીને કડક રજૂઆત કરી છે કે આ કથિત ‘નકલી’ ડિમોલિશન પાછળ કોનો હાથ છે તેનો વહેલી તકે ફોડ પાડવામાં આવે. જ્યાં સુધી આ પરિવારોને ન્યાય અને નવું આવાસ નહીં મળે, ત્યાં સુધી કોંગ્રેસ ચેનથી બેસશે નહીં.”

