ડેપ્યુટી મેયરના પુત્ર પર ગૌચર જમીન દબાવવાનો આક્ષેપ, સરપંચે કહ્યું- ‘મારી સાથે ગેરવર્તન થયું’
સુરત શહેર નજીક આવેલા સણીયા કણદે ગામમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણને લઈને એક મોટો વિવાદ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદ સામાન્ય એટલા માટે નથી કારણ કે આમાં સામસામે આવી ગયેલા બંને પક્ષો સત્તાધારી પક્ષ ભાજપ (BJP) સાથે સીધા જોડાયેલા છે. એક તરફ ગામના સત્તાધારી સરપંચ છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્ર છે. સણીયા કણદે ગામની ગૌચર જમીન પર દબાણ કરવાના ગંભીર આક્ષેપો સાથે શરૂ થયેલો આ આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે.
સરપંચ જશપાલસિંહનો આક્ષેપ: “ગૌચરની જમીન પર દબાણ કરાયું, મારી સાથે ગેરવર્તન થયું”
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સણીયા કણદે ગામના સરપંચ જશપાલસિંહ દ્વારા સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા રાહુલ ચૌધરી પર ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ અને કબ્જો કર્યો હોવાના સીધા આક્ષેપો કરવામાં આવ્યા. સરપંચ જશપાલસિંહે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગામની ગૌચર જમીન પશુઓ માટે અનામત છે અને તેની સુરક્ષા કરવી પંચાયતની જવાબદારી છે.
તેમણે ઉમેર્યું કે, “જ્યારે મને આ સરકારી અને ગૌચર જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ અને દબાણની માહિતી મળી, ત્યારે હું ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે ત્યાં સ્થળ પર તપાસ કરવા અને દબાણ દૂર કરાવવા માટે ગયો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ મારી સત્તા અને હોદ્દાની ગરિમા જાળવવાને બદલે મારી સાથે અત્યંત અશોભનીય અને ગેરવર્તન કર્યું હતું.” સરપંચના આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ ચૌધરીનો વળતો પ્રહાર: “સરપંચને માત્ર એક જ પાર્ટી પ્લોટથી તકલીફ કેમ?”
બીજી તરફ, આ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ ચૌધરીએ પણ આ મામલે મૌન તોડ્યું છે અને પોતાની સફાઈ આપતા સરપંચ સામે વળતા પ્રહારો કર્યા છે. રાહુલ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે તેમના દ્વારા કોઈ જ ગૌચરની જમીન દબાવવામાં આવી નથી.
રાહુલ ચૌધરીએ પોતાની મોડસ ઓપરેન્ડી અને કામગીરીની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકોને તકલીફ ન પડે તે માટે અમે માત્ર પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી રહ્યા હતા. આ જગ્યા પર પાણીના મોટા ભૂંગળા (પાઈપો) નાખવામાં આવ્યા છે, જેથી પાણી ભરાઈ ન રહે. આ કામગીરી શરૂ કરતા પહેલા મેં પોતે સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમને આખી વાતથી વાકેફ કર્યા હતા.”
રાહુલ ચૌધરીએ વધુમાં સવાલ ઉઠાવ્યો કે, સરપંચને ગામના અન્ય દબાણો કેમ દેખાતા નથી? આ આખી બાબતમાં સરપંચને માત્ર આ એક જ પાર્ટી પ્લોટને લઈને કેમ તકલીફ થઈ રહી છે તે સમજાતું નથી. પાર્ટી પ્લોટની બિલકુલ બાજુમાં આવેલી ગેરકાયદેસર દુકાનો અને આમલેટની લારીઓ ઉભી રાખવામાં આવી છે, જેની પાસે ગ્રામ પંચાયત કે તંત્રની કોઈ જ પ્રકારની મંજૂરી નથી. સરપંચ તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરતા નથી?
“ગૌચરની જમીન પર દબાણ કરનારા સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ”
વિવાદ ગમે તે હોય, પરંતુ રાહુલ ચૌધરીએ પણ એક વાત પર ભાર મૂક્યો છે કે તેઓ પોતે પણ ગૌચરની જમીન પર દબાણ કરવાના વિરોધી છે. તેમણે નિવેદન આપ્યું કે, “અમે ક્યારેય કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી અને ભવિષ્યમાં પણ ગૌચરની જમીન પર કોઈ દબાણ થવું જોઈએ નહીં. જે પણ તત્વો ગૌચરની સરકારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા હોય, તેમની સામે કાયદાકીય રીતે કડક વલણ અપનાવીને ત્વરિત કાર્યવાહી થવી જ જોઈએ.”

