સુરત શહેરમાં વરસેલા રેકોર્ડબ્રેક વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને લીંબાયત વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે આખોય લીંબાયત વિસ્તાર જાણે કે દરિયામાં ફેરવાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં ઘૂંટણસમા અને ક્યાંક તો કમર સુધીના પાણી ભરાઈ જતાં હજારો લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા છે.
મીઠી ખાડીના પાણી ઘરોમાં ઘૂસ્યા: જનજીવન અસ્તવ્યસ્ત
લીંબાયતની મીઠી ખાડીમાં પૂર આવતાની સાથે જ પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં અત્યંત ઝડપથી ફેલાઈ ગયા હતા. અસંખ્ય ઘરો હાલ પણ પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. આ પૂરની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ડુંભાલ પાણીની ટાંકી જેવા ઉંચાણવાળા વિસ્તારો સુધી પણ પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં અદ્રશ્ય થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને સ્થાનિકો લાચાર બનીને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
મધ્યરાત્રિએ ફાયર બ્રિગેડ અને પાલિકાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન
સ્થિતિની ગંભીરતાને જોતાં સુરત મહાનગરપાલિકા (SMC) અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. મોડી રાત સુધી અંધારામાં પણ બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી. પૂરના પાણી એટલા ઊંડા હતા કે સામાન્ય વાહનો જઈ શકે તેમ ન હોવાથી આખરે ફાયર વિભાગ દ્વારા સ્ટીમર બોટની મદદ લેવાની ફરજ પડી હતી. પાણીમાં ફસાયેલા નાના બાળકો, મહિલાઓ અને વડીલોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અસંખ્ય લોકોનું સ્થળાંતર: આશ્રયસ્થાનો શરૂ કરાયા
લીંબાયત વિસ્તારમાંથી અસંખ્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાલિકા દ્વારા પૂર પ્રભાવિતો માટે તાત્કાલિક આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને રહેવા અને ખાવા-પીવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર લિંબાયત વિસ્તાર હાલ ખાડીપૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. પૂરના પાણી ક્યારે ઓસરે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.