સુરત SVNIT ખાતે ‘ઈ-રક્ષક હેકેથોન’નું ગ્રાન્ડ ફિનાલે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યુવા ટેકનોક્રેટ્સના ઇનોવેશન નિહાળ્યા

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

સાયબર ક્રાઇમ ઉકેલવા યુવાનોના ટેક સોલ્યુશન ઉપયોગમાં લેવાશે: સુરતમાં હર્ષ સંઘવીનું નિવેદન

ગુજરાતમાં ડિજિટલ ક્ષેત્રે વધતા જતા સાયબર ગુનાઓ સામે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના હેતુથી સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના ‘નેક્સસ યુનિટ’ દ્વારા સંયુક્ત રીતે ‘ઈ-રક્ષક હેકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિતિ આપી હતી. તેમણે દેશના વિવિધ ૬ રાજ્યોની ૧૩થી વધુ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોના ૧૫૦થી વધુ યુવા ટેકનોક્રેટ્સ અને ૩૧ ટીમો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોટોટાઇપ મોડેલ્સનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે વિદ્યાર્થીઓના ગ્રાઉન્ડ-લેવલના રિસર્ચ અને સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સને બિરદાવ્યા હતા.

WhatsApp Image 2026 10 10 at 6.08.42 PM.jpeg

- Advertisement -

ટેકનોલોજીના પડકારો સામે સોફ્ટવેર આધારિત સસ્ટેનેબલ સોલ્યુશન પર ભાર

ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરમાંથી આવેલા ‘પ્રૉબ્લેમ સોલ્વર્સ’ એવા યુવા વિદ્યાર્થીઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં ટેકનોલોજી જેટલી માનવજીવન માટે ઉપયોગી છે, તેટલી જ તે સુરક્ષા અને ગવર્નન્સ માટે નવા પડકારો પણ ઊભા કરે છે. મોટી ટેકનોલોજી કંપનીઓ દ્વારા વારંવાર હાર્ડવેર અને કેમેરાના મોડેલ બદલવામાં આવતા હોય છે, જેનાથી સરકારી તિજોરી અને સિસ્ટમ પર મોટો નાણાકીય બોજ પડે છે.

વડાપ્રધાનના વિઝનને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, આપણે હાર્ડવેર બદલવાના બદલે સોફ્ટવેર આધારિત સસ્ટેનેબલ સોલ્યુશન્સ તરફ આગળ વધવું પડશે. આવા હેકેથોન દ્વારા દેશની યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરીને સરકારી પ્રક્રિયાઓને આધુનિક બનાવવાની દિશામાં રાજ્ય સરકાર ઝડપથી કામ કરી રહી છે.

- Advertisement -

“સમગ્ર ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ પર જોડવાનું મારું સ્વપ્ન છે”

ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિકોની સુવિધા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ વિઝન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે ટ્રાફિક સિગ્નલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્માર્ટ કેમેરા ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીને નાગરિકોની માત્ર ૧૫ સેકન્ડ પણ બચાવી શકીએ, તો દેશ અને રાજ્યના લાખો લોકોનો કિંમતી સમય તેમજ કરોડો રૂપિયાનું ઈંધણ બચાવી શકાય તેમ છે.

પોલીસિંગ અને ટ્રાફિક સંચાલનને વધુ સુદ્રઢ બનાવવા અંગે તેમણે કહ્યું કે, “સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાને એક જ સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવું એ મારું સ્વપ્ન છે, જેથી ગુનાખોરી નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થામાં ક્રાંતિકારી બદલાવ લાવી શકાય.”

યુવાનોના સ્ટાર્ટઅપ્સ માટે રાજ્ય સરકાર ‘રિસ્ક પાર્ટનર’ બનવા તૈયાર

નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત યુવાનોને માત્ર સોશિયલ મીડિયા અને રૂટિન ચર્ચાઓમાં સમય વિતાવવાને બદલે સરકારની વિવિધ ટેકનોલોજીકલ અને ઇનોવેશન યોજનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રિયલ પોલિસી, સ્ટાર્ટઅપ નીતિ, MSME અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની યોજનાઓની વિગતો આપી હતી.

- Advertisement -

તેમણે સ્પષ્ટ કર્યું કે, નવા સ્ટાર્ટઅપ શરૂ કરનાર યુવાનો માટે સરકાર સીડ ફંડ, ઓફિસ રેન્ટ, માર્કેટિંગ, ઓપરેટિંગ ખર્ચ, પગાર અને ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન્સ સુધીની નાણાકીય સહાય (OPEX સપોર્ટ) પૂરી પાડે છે. ખાસ કરીને મહિલા ઇનોવેટર્સ માટે સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે. યુવાનોના આઈડિયા માત્ર કાગળ પર ન રહી જાય પરંતુ જમીન પર સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની સાથે ‘રિસ્ક પાર્ટનર’ તરીકે ઊભી રહેવા સંપૂર્ણ તૈયાર છે.

WhatsApp Image 2026 10 10 at 6.09.04 PM.jpeg

યુવાનોના રિસર્ચનો ઉપયોગ FIR અને સાયબર ક્રાઇમ ઉકેલવામાં થશે

આ પ્રસંગે એક મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ હેકેથોનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો ઉપયોગ આવનારા દિવસોમાં પોલીસ વિભાગમાં એફ.આઈ.આર. નોંધવાની પ્રક્રિયા સરળ બનાવવા તેમજ જટિલ સાયબર ક્રાઇમના કેસો ઉકેલવામાં સરકારી સ્તરે કરવામાં આવશે. આ સાથે જ તેમણે તાજેતરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિશાળ સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવા બદલ સુરત સાયબર ક્રાઇમ સેલની કામગીરીની મુક્ત મને સરાહના કરી હતી.

ડિજિટલ સુરક્ષા અને સ્માર્ટ પોલીસિંગ માટે ઈ-રક્ષકનો વિશેષ હેતુ

કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર વાબાંગ જમીરે હેકેથોનની પૃષ્ઠભૂમિ આપતા કહ્યું હતું કે, ‘ઈ-રક્ષક હેકેથોન’ એ સુરત શહેર પોલીસ અને SVNIT ના NEXUS યુનિટનું એક સંયુક્ત સાહસ છે. તેનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ સુરક્ષા વધારવા અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે કોલેજના યુવા વિદ્યાર્થીઓ પાસેથી નવોતર અને ટેકનોલોજીથી સજ્જ સોલ્યુશન્સ મેળવવાનો છે.

ત્યારબાદ DCP (સાયબર ક્રાઇમ) વિશાખા જૈને સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું કે, આ હેકેથોનની ડિઝાઇન ખૂબ જ વ્યવહારુ રીતે કરવામાં આવી હતી. પોલીસ ટીમોએ રૂબરૂ પોલીસ સ્ટેશનોમાં સર્વે કરીને સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને પોલીસ તંત્ર સામેના વાસ્તવિક સવાલોને આધારે ૯ થી ૧૦ ચોક્કસ ‘પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ’ તૈયાર કર્યા હતા. સાયબર સ્માર્ટ પોલીસિંગના આ અભિયાનમાં દેશભરની કોલેજોમાંથી ૪૫૮ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી આખરી તબક્કામાં પસંદ થયેલી ૩૧ ટીમોના ૧૫૦ વિદ્યાર્થીઓએ ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના પ્રોટોટાઇપ રજૂ કર્યા છે.

કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ગરિમામય ઉપસ્થિતિ

આ ગ્રાન્ડ ફિનાલે પ્રસંગે રાજ્યના સુરક્ષા અને વહીવટી તંત્રના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંઘ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૧) બલરામ મીણા, અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ) ડો. કરણરાજ વાઘેલા, મહિસાગરના એસ.પી. શફીન હસન, SVNITના ડિરેક્ટર પ્રો. અનુપમ શુક્લા તેમજ સુરત પોલીસ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.