સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને હજીરા કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના આદિવાસી વિસ્તારની બહેનો માટે યાદગાર બન્યો હતો. એ માટે નિમિત બન્યું છે અદાણી ફાઉન્ડેશન, હજીરા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કોઈ પ્રવચન કે અન્ય રીતે ન ઉજવીને અદાણી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા 70 જેટલા સખીમંડળની ચારસો જેટલી બહેનો માટે રમોત્સવ સાથે અનોખી રીતે ઉજવ્યો હતો. રોજિંદા કામોથી અળગા થઈને આ બહેનોએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લઈને અને ગરબા રમીને ખૂબ આનંદ અને મનોરંજન સાથે આ મહિલા દિવસ ઉજવ્યો હતો.
અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં કાર્યરત લગભગ ૫૦ જેટલા સખી મંડળની બહેનો માટે સુવાલીના દરિયા કાંઠે વિવિધ રમત સ્પર્ધાનું આયોજન થયું હતું. ચોર્યાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન પટેલ અને અન્ય આગેવાનોની હાજરીમાં હજીરા વિસ્તારના ગામોની ૨૦૦થી વધુ મહિલાઓ દોરડા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરસી જેવી રમતો રમી હતી અને આખરે સુવાલીના દરિયાકાંઠે ગરબા રમીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.
એવી જ રીતે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી બહેનો દ્વારા ઘાણાવડ ખાતે આંટ્રરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉમરપાડા તાલુકાનાં ઘાણાવડ, ચોખવાડા, જૂમવાડી અને ઉમરગોટની બહેનોએ સંગીત ખુરશી, દોરડા ખેચ અને લીંબુ ચમચી જેવી રમત રમી હતી. બહેનોને રોજિંદા કામોથી અલગ મનોરંજક રમતોનો ખૂબ આનંદ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા બહેનોને પ્રોત્સાહક ઈનામ અપાયા હતા. મહિલા સશક્તિકરણ અને સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને એ અંગે વિશેષ માર્ગદર્શન પણ આપાયું હતું.