ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે રૂ.80 કરોડના ભ્રષ્ટાચારના આરોપનો જિનેન્દ્ર શાહનો પોસ્ટ કરાયેલ વીડિયો સામે આવ્યા બાદ આ જિનેન્દ્ર શાહનો વીડિયો ખુદ ભાજપના દક્ષિણ ગુજરાતના પીઢ કાર્યકર દ્વારા મોકલવામાં આવ્યો હોવાની વાત સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના કેટલાક નેતાઓને પોસ્ટ મારફતે મળેલી પત્રિકા અને પેન ડ્રાઇવમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ભાજપના નેતાઓ પાસેથી ખાતાની ફાળવણી માટે મોટી રકમો લઈને ખાતાની વહેંચણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે. મોદી સાહેબ સાંભળી લો નહીં તો સી.આર. પાટીલ પાર્ટીને ડૂબાડી દેશે. તેવા ગંભીર આક્ષેપો સાથે ટાઈપ કરેલો લેટર હતો. સાથે વીડિયોની પેન ડ્રાઈવ પણ રાખવામાં આવી હતી.
આવુજ કવર ધારાસભ્ય સંદિપ દેસાઈને પણ મળતા તેઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ધારાસભ્ય સંદિપ દેસાઈએ ભાજપના અન્ય પદાધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ટપાલ મારફતે આ પ્રકારનું કવર ગુજરાતના તમામ ભાજપના મોટા નેતાઓને પહોંચાડવામાં આવ્યું હતુ ત્યારે આ પ્રકારની પત્રિકાથી પાર્ટીની પ્રતિષ્ઠા અને પાર્ટીની બદનામી થવા પામી હતી. જેથી આ અંગે એક મહિના પહેલા આ બાબતની તપાસ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ કવર કોસંબા ખાતે રહેતા દીપુ લાલચંદ યાદવ અને ખુમાનસિંહ જશવંતસિંહ પટેલ નામના બે શખસે ભરૂચ તથા પાલેજ રેલવે સ્ટેશન ખાતેની ટપાલ પેટીમાં પોસ્ટ કરતા જણાયા હતા. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ બંને શખસની અટક કરી પૂછપરછ કરતા તેમને આ લખાણ તથા પેન ડ્રાઈવ સાથેનું કવર પોસ્ટ કરવા માટે ભાજપના જ વર્ષોથી જોડાયેલા ઘનિષ્ઠ કાર્યકર અને ઉંમરપાડા તાલુકાના પ્રભારી તથા તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશસિંહ રણજીતસિંહ સોલંકીએ આપ્યું હોવાનું જણાવતા આ પત્રિકાકાંડમાં રાકેશ સોલંકી મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો. પોલીસે રાકેશ સોલંકીની પૂછપરછ અને તપાસ કરતા આ પ્રકારની બદનક્ષીકારક લખાણનો દસ્તાવેજ પોતાની ઓફિસનો કર્મચારી હેમંત પરમાર પાસે ટાઈપ કરાવ્યો હતો.
તેમજ પેન ડ્રાઈવ ઈરફાન કાપડિયા નામના વ્યક્તિ પાસે મગાવી હોવાનું જણાવ્યું હતું. બાદમાં રાકેશસિંહ સોલંકીએ વિવાદિત લેટર અને પેન ડ્રાઈવ સાથેની પત્રિકાઓ બનાવી દીપુ યાદવ અને ખુમાનસિંહ પાસેથી પોસ્ટ મારફતે આ તમામ ગુજરાતના જુદા જુદા નેતાઓને પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવ્યા હોવાની વાતનો ખુલાસો થયો છે.