ઘણી વખત તંત્ર એવું બુદ્ધિ નું પ્રદર્શન કરે કે તે જોઈ લાગે કે આ લોકોમાં આટલી પણ અક્કલ કેમ નહિ હોય?
આવોજ એક કિસ્સો બારડોલી તાલુકાના અસ્તાન ગામના અસ્તાન જીન વિસ્તારમાં જોવા મળ્યો અહીં પસાર થતા કાચા રસ્તાને ડામર રોડ બનાવવામાં આવે તે પહેલાંજ પેવર બ્લોક બેસાડી ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે.
ગ્રામ પંચાયતે કરેલા આ અનોખા વિકાસનું કામ હવે લોકોમાં પણ હાસ્યાસ્પદ બની રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, સામાન્ય રીતે પહેલા રોડ બને અને પછીજ ફૂટપાથ ઉપર પેવર બ્લોક નાખવાના હોય પણ અહીં ઊલટું થયું છે જો હવે રોડ બનાવે ત્યારે વાહનો આ પેવર બ્લોક નહિ તોડી નાખે?
આ રસ્તો કાચો અને ખાડા વાળો હોવાથી ચોમાસામાં અહીથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકી થાય છે. દર વર્ષે ચોમાસા સમયે વરસાદી પાણી રસ્તા પર ભરાય છે. અને લોકોને મુશ્કેલી થાય છે તેવામાં આ ડામર રોડ બને તે જરૂરી છે પણ હજુ રોડ બન્યો નથી અને કાચા રસ્તાની આજુબાજુ પેવર બ્લોક લગાવી દેવાતા પાણીના ભરાવાની સમયસ્યા પણ સર્જાશે.
હવે રોડ બન્યા પહેલા શા માટે પેવર બ્લોક જડી દેવાયા તો તેમાં એવી વાત સામે આવી કે પેવરબ્લોકનું કામ પહેલા મંજૂર થઈ જતા વર્ષ 2021-22ની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ શરૂ કરવામાં આવ્યું છે.
જ્યારે પાકો રોડ બનાવવા માટે પણ દરખાસ્ત થઈ છે પણ મંજૂરી હજુ મળી નથી જે મળ્યા બાદ રોડનું કામ શરૂ કરી દેવાશે.
આમ,આ વાત સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની છે.