રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કોઈ અમલ થતો નથી અને ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો રહે છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસની પણ મિલીભગત જોવા મળતી હોય છે તેવે સમયે દારૂ પકડાવવાની ઘટનાને અઢી વર્ષ વીતી ગયા બાદ અચાનક સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરી દેતા આ ઘટનાએ પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી છે.
વિગતો મુજબ વર્ષ 2019માં સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાંકી ગામની સીમમાં આર.આર.સેલની ટીમે 4 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો,
દારૂ પકડાવવાની આ ઘટનાને અઢી વર્ષનો સમય નીકળી ગયા બાદ અચાનક સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એ.આઈ બી.બી.પરધને કે જેઓ હાલ સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને તેમજ તે સમયના બલેશ્વર બીટ જમાદાર અને હાલ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો ધર્મેશ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે.
અઢી વર્ષના લાંબા સમય બાદ પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાતા સમગ્ર પોલીસ બેડમાં આ વાતે ભારે ચર્ચા જગાવી છે. હાલ મહુવા પોલીસ સ્ટેશન નો ચાર્જ કડોદરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ એસ.એન . પટેલ ને આપવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી છે.
આમ,આર.આર.સેલની ટીમ દ્વારા જેતે પોલીસ મથકની હદમાં દારૂ પકડે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે અઢી વર્ષ બાદ પગલાં લેવાઈ શકે છે તે જાણી સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
