સુરત શહેરમાં કરદાતાઓની સંખ્યા વધીને 17.50 લાખ થઈ ગઈ છે. પાંચ વર્ષમાં જ કરદાતાઓની સંખ્યા સાત લાખ જેટલી વધી છે જેની સામે ટેકસ કલેકશનમા પણ રૂપિયા ત્રણ હજાર કરોડનો વધારો થયો છે. જ્યારે કરોડપતિ કરદાતાઓની સંખ્યા 1100 થઈ ગઈ છે. છેલ્લાં બે જ વર્ષમાં શહેરમાં કરોડપતિઓની સંખ્યાંમાં 300નો વધારો થયો છે. કરદાતાની દૃષ્ટિએ આવનારા સમયમાં આ જ રેસિયો જો જળવાઈ રહ્યો તો સાઉથ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 20 લાખની પાર થઈ જશે.
સુરતમાં એક કરોડથી ઉપરના રિટર્નની વાત કરીએ તો હાલ તે 1100નો આંક વટાવી ગયો છે. માર્ચમાં ભરાનારા રિટર્ન બાદ તેમાં ઉછાળો આવવાની સંભાવના છે. આંકડા તપાસીએ તો વર્ષ 2016માં કરોડપતિઓની સંખ્યા 890 હતી જેમાં વર્ષ 2017માં વધારો થઈને 933 કરદાતા થયા હતા જે વર્ષ 2018માં વધીને સીધા 1100 થઈ ગયા છે. એટલે છેલ્લા બે વર્ષમાં તેમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે 50 લાખથી વધુના રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા જે અગાઉ વર્ષ 2017માં 1500 હતી તે વધીને 1600ને પાર થઈ ગઈ છે.
આઇટીના સૂત્રો કહે છે કે નોટબંધી બાદ કરદાતાઓની સંખ્યામાં બે લાખનો વધારો છે. જ્યારે છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો કુલ વધારો સાત લાખ જેટલો છે. વર્ષ 2011માં સુરતમાં સાડા દસ લાખ જેટલાં કરદાતા હતા. જ્યારે ટાર્ગેટ રૂપિયા ચાર હજાર કરોડ હતો. આજે ટાર્ગેટનો આંક રૂપિયા સાત હજાર કરોડ થઈ ગયો છે.