સુરતમાં નકલી ભારતીય ઓળખના પુરાવા બનાવીને રહેતા બાંગ્લાદેશી યુવકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સુરતના ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી મો. રૂબેલ હુસેન સફીકુલ ઇસ્લામ ઉર્ફે મો. કાશીલ ઇસ્લામ (ઉ.વ.24) અન્સારીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી નકલી ભારતીય ઓળખ ધરાવતું મો. કાસીમ ઇસ્લામ અંસારીના નામથી બનાવેલું પાનકાર્ડ તેમજ આધારકાર્ડ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી બેન્ક ઓફ બરોડાનું ATM કાર્ડ અને પેટીએમ પેમેન્ટ બેન્ક કાર્ડ પણ કબ્જે કર્યું હતું.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે મૂળ બાંગ્લાદેશના દુમદિયા જેશોરનો વતની હોવાનું અને વર્ષ 2018માં પુટખલી બોર્ડરથી નદી પાર કરીને રાત્રિના સમયે ગેરકાયદેર રીતે ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યા બાદ મહેરપૂર, મુંબઈ તથા હૈદરાબાદ અને કર્ણાટકના ગુલબર્ગ ખાતે રહી મીટ કંપનીમાં નોકરી શરૂ કરી અને ફરીથી મુંબઈ પનવેલ ખાતે આવીને કલર કેમિકલ કંપનીમાં સિક્યોરીટીની દોઢ વર્ષ નોકરી કરી હતી. બાદમાં વર્ષ 2021માં તે સુરત ખાતે આવી જુદા-જુદા કારખાનામાં કપડા પ્રેસ કરવાનું કામ કરતો હોવાનું ખુલ્યું છે.
યુવકની તપાસ કરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પોલીસ સમક્ષ સામે આવ્યા હતા. યુવકના ફોનમાંથી કટર ધાર્મિક જીહાદી સાહિત્ય મળી આવ્યું હતું. તે ઉપરાંત એન્ડ્રોઈડ ફોનને સરળતાથી ટ્રેક ન કરી શકાય તેવી અનેક પ્રતિબંધિત એપ્લિકેશન પણ વાપરતો હોવાનું જાણવા મળ્યું હતું. ફક્ત એટલું જ નહીં યુવક પાસપોર્ટ પણ બનાવવાનું વિચારી રહ્યો હતો, જેને લઇ નકલી એજ્યુકેશન સર્ટિફિકેટ પણ બનાવ્યા હતા. હાલ તો પોલીસ આ બાંગ્લાદેશી યુવક કોઈ મોટી દેશ વિરોધી પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો કે કેમ? તે અંગે તપાસ કરી રહી છે.