પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને સુરતમાં રિક્ષાવાળાએ લાકડાના ફટકાથી માર મારતાં તેઓને હાથના ભાગે ઈજાઓ થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા.
આજે સવારે અલ્પેશ કથીરિયા પોતાના સબંધી દવાખાનામાં દાખલ હોય તેમની ખબર કાઢવા માટે મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા તે વખતે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવતો હોય તેને આમ રિક્ષા નહિ ચલાવવાનું કહેતાં રિક્ષાવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા અને ભાગી ગયો હતો.
સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ બાઈક ઉપર જવા નીકળ્યા હતા. તે વખતે આગળ એક બેફામ રીતે રિક્ષા ચાલવતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે ભાઈ જરા સરખી રીતે ચલાવ.
બસ આટલું કહેતા રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, તને બતાવું એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી સીધો મારવા માંડ્યો હતો અને ઉપરા ઉપરી ત્રણ ઘા માર્યા હતા પરિણામે અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકો ભેગા થઈ જતાં રિક્ષાવાળો ભાગી ગયો હતો, દરમ્યાન અલ્પેશ કથીરિયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.