મુંબઈથી બાય રોડ કારમાં કોકેઇન ડ્રગ્સનો જથ્થો લઈ સુરતના રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જર નામના ઇસમને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની ટીમે બાતમીના આધારે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ નજીકથી ઝડપી લીધા હતા.
પોલીસે કરેલા ચેકિંગ દરમિયાન મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ થવા જાય છે.
પુછતાછ દરમિયાન આરોપીઓના નામ ઇબ્રાહીમ હુસૈન ઓડીયા (51) અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા (47) (બન્ને રહે, બિસ્મીલ્લા હાઇટ્સ, તૈલી મહોલ્લો,મુંબઈ, મૂળ રહે, જામનગર) હોવાનું ખુલ્યું છે. તેઓપાસેથી 5 મોબાઇલ, 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી 51.68 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
તપાસ દરમ્યાન અગાઉ ઈસ્માઇલના ઘરે 2થી 3 વખત એમડી ડ્રગ્સ અને કોકેઈનની ડિલિવરી થઈ હોવાની વાત સામે આવી છે.
ઈબ્રાહીમને કોકેઇન મુંબઈમાં નાઝજીરીયન ડેન્હીલએ આપ્યું હોવાની વાતનો ખુલાસો થયો છે.
ડેન્હીલ આફ્રિકન દેશોમાંથી આ ડ્રગ્સ ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરે છે.
ઈસ્માઈલ હાલમાં વોન્ટેડ છે. તેની સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયેલો છે.
મુંબઈના ઇબ્રાહીમ ઓડીયાને એમડી-કોકેઈન નો બંધાણી છે. જો કે, ધંધામાં સારા રૂપિયા મળતા વેચાણ પણ શરૂ કર્યું હતું. કોકેઇનનો નશો મોટેભાગે મોટા ઘરના નબીરાઓ જ કરતા હોવાથી મોં માગી કિમત મળે છે. આ ડ્રગ્સને ગુટખામાં, ઇન્જેક્શન અને નાકથી સ્નોટ કરી શકાય છે.
ઈસ્માઇલ ઉપરાંત અન્ય સુરતના 3 પેડલરોને તે સપ્લાય કરતો હોવાની આશંકા છે.
બીજી તરફ એસઓજીને 1 કિલો કોકેઈનની બાતમી મળી હતી પણ આરોપીઓ પાસેથી 39 ગ્રામ 100 મિ.લી ડ્રગ્સ મળતા રસ્તામાં કોઈને સપ્લાય કરાયાની આશંકાને પગલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.