સુરતપોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પરિવારો ન્યાય માટે પોલીસ કમિશ્નર કચેરીએ આવ્યા હતા અને ન્યાય માટે માંગણી કરતા નજરે પડ્યા હતા.
અઠવા પોલીસ લાઈનમાં જર્જરીત મકાનોમાં રહેતા પોલીસ પરિવારને 7 દિવસમાં ઘર ખાલી કરવાની ગુજરાત પોલીસ હાઉસિંગે નોટિસ પાઠવતા હવે ક્યાં જવું ? તે સવાલ ઉભો થતા પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ કમિશનર કચેરી પર રજૂઆત કરવા માટે પહોંચીને નવા બનેલા આવાસોમાં પોતાને મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.
વિગતો મુજબ અઠવા પોલીસ લાઈનના ખખડધજ મકાનોમાં 126 જેટલા પરિવારો રહે છે અને તેઓ તમામને મકાન ખાલી કરવા નોટિસ મળતાં તેઓ ચિંતામાં મુકાયા છે કે, હવે ચોમાસુ આવી ગયું છે અને મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. તો આવી પરિસ્થિતિમાં ક્યાં રહેવા જવું ? તે સવાલ ઉભો થતા પોલીસ પરિવારની તમામ મહિલાઓ એકત્ર થઈને સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચી ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે, નવા બનેલા આવાસોમાં મકાન મળશે નહીં અને ભાડાના મકાનમાં રહેવા જાવ. અહીં તેઓમાં ગણગણાટ હતો કે પોલીસ કર્મચારીનું પગારધોરણ નીચું હોય છે અને તેમાં સાતથી આઠ હજાર રૂપિયા ઘરભાડું પોલીસ પરિવારના સભ્યોને કઈ રીતે પોસાય ? પોલીસ પરિવારની માગણી છે તેમને નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે પણ હવે આ મામલો ટલ્લે ચડતા પોલીસ પરિવારો મુંઝવણમાં મુકાયા છે.
