સુરત એરપોર્ટ ઉપરથી ઝડપાયેલા રૂ.25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં PSI દવેની મુખ્ય સંડોવણી સામે આવી છે જે આરોપીઓ આ સોનુ લાવ્યા હતા તેઓનો રોલ માત્ર PSI દવેને માલ આપવાનો હતો.
દરમિયાન આજે 12મીના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.
DRI અને કસ્ટમે મુખ્ય આરોપીને ઝડપી લેવા ચાર સ્થળે દરોડા પાડ્યા છે કારણ કે PSI પરાગ દવે જ જાણે છે કે ગોલ્ડ કોને આપવાનું હતું.
તેણે સીમકાર્ડ પણ તોડી નાખ્યુ હતું કારણકે મોટાભાગના કોલ કે મેસેજ સોશિયલ મીડિયા મારફત કરાયા હતા. આ સોનુ ભરૂચના એક મિડિયેટરે મંગાવ્યું હોવાની પણ વાત પણ ચર્ચાઈ રહી છે.
PSI દવેને સસ્પેન્ડ કરી કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાંચના DCP રૂપલ શાહને સોંપી છે.
બેગેજ રૂલ મુજબ એરપોર્ટ મારફત આવતા ગોલ્ડ પર 38 ટકા સુધીની ડયૂટી લાગતી હોય છે. એટલે કે, એક કિલો પર સરકારને 23 લાખ મળવા પાત્ર હોય છે.
ત્યારે રૂ.25 કરોડનું ગોલ્ડ આવ્યું તે પહેલાં પણ 100 કરોડ રૂપિયાનું સોનુ આવી ચૂક્યું હોવાની માહિતી છે એટલે અંદાજે રૂ. 38 કરોડ જેટલી ડયૂટી ચોરી કરવામાં આવી છે.
આ સોનું જ્વેલર્સ સુધી પહોંચી તેનો નિકાલ પણ ચોપડે બતાવ્યા વગર જ થાય છે. આમ, જીએસટીના 7.5 ટકા પણ ચોરાય છે. ઉપરાંત ભાવ ડિફરન્સ પણ બચે છે. એટલે સ્મગલરો ત્રણ રીતે ગેરલાભ ઉઠાવતા હોવાનું કસ્ટમના સુત્રોનું કહેવું છે.