સુરત એરપોર્ટ નજીક વેસુ વિસ્તારમાં બિલ્ડરો અને સ્થાનિક તંત્રના મેળાપીપણામાં એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર જ ઊંચી હાઇરાઇઝ બિલ્ડિંગો તાણી દેવાતા આજે સુરત એરપોર્ટ હયાત 2800 મીટરના રનવેની સામે 650 મીટરનો રન-વે બાદ કરીને હાલમાં માત્ર 2250 મીટર જ રનવેનો ઉપયોગ કરી રહ્યું છે.
બીજી તરફ 2006થી લઇને 2014 સુધીના 7 વર્ષના સમયગાળા દરમિયાન એરપોર્ટ ઓથોટિરીની પણ બેદરકારી સામે આવી છે અને તેના કારણે ઓબસ્ટ્રેકલ સર્વે નહિ કરાતા આ મોટી બિલ્ડિંગો બની ગઇ હતી હવે આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
હાલમાં સુરત એરપોર્ટ દ્વારા વેસુ સાઇડ ઉપર કરાયેલા સર્વે બાદ આ સર્વેમાં અંદાજીત 14 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપીને તે બિલ્ડિંગની ઉપર લાગેલા એન્ટેના, એક મીટર જેટલું પણ વધારે બાંધકામ હોય તો તેને દૂર કરવા તેમજ સોલાર પ્લાન્ટ જેવી સિસ્ટમો પણ દૂર કરવાની નોટિસો ઇસ્યુ કરાઇ છે. આ બાબતે બિલ્ડરો દ્વારા પણ એરપોર્ટ ઓથોરિટીને સહયોગ આપીને વધારાનું બાંધકામ અને એન્ટેના સહિતની વસ્તુઓ દૂર કરી છે.