સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર એક ઓઇલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં રોડ ઉપર ઓઇલ ઢોળાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક બાઇક સ્લીપ થઈ જવા પામી હતી.
માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક પસાર થતા નેશનલ હાઇવે પર વહેલી સવારે એક ઓઇલ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતા ટેન્કરમાં રહેલ હજારો લીટર ઓઇલ રોડ પર ઢોળાતા હાઇવે ઉપર ઓઇલના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
આ ટેન્કર જામનગરથી ઓઇલ ભરી દમણ જઈ રહયુ હતું તે દરમિયાન પીપોદરા નજીક ટેન્કર સામે અચાનક એક વાહન આવી જતા તે વાહનને બચાવવા જતાં ટેન્કર પલ્ટી મારી ગયુ હતું જેમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી.
બીજી તરફ આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલુ ઓઇલ હાઇવે પર તેમજ સર્વિસ રોડ પર વહી જતા હાઇવે પર પસાર થઈ રહેલ બાઈક સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની હતી અને બાઈક ચાલકોને ઈજાઓ પણ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસ તેમજ NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હાઇવે પરથી ટેન્કર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.