સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતાં સર્વત્ર જળ બંબાકાર જોવા મળી રહ્યો છે.
બારડોલી પંથકમાં ભારે વરસાદની સ્થિતિ બાદ હવે મહુવા અને પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ થતાં નવ જેટલા ગામોના રસ્તાઓ બંધ થઈ ગયા છે.
દરમિયાન ભારે વરસાદ પડતાં પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ગામ બેટમાં ફેરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ સિવાય પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, અંત્રોલી એપ્રોચ રોડ, મલેકપુર સિસોદ્રા રોડ, સહિતના નવ જેટલા ગામોમાં આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા બંધ કરવા પડયા છે.
છેલ્લા એક સપ્તાહથી સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
તાપી જિલ્લામાં ભારે વરસાદ અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર વધતા સિઝનમાં પહેલીવાર ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉકાઇ ડેમમાં નવા નીર આવવાના શરૂ થઇ ગયા છે. ગુરુવારે બપોરે 1 વાગ્યાથી ઉકાઇ ડેમમાં 6 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી, જેને લઇ ડેમ સપાટીમાં હવે ધીમે ધીમે વધારો થવાનો શરૂ થયો છે. રાતે 8 કલાકે ડેમની સપાટી 308.30 ફૂટ નોંધાઇ હતી.