સુરતમાં બેભાન હાલત માં મળેલી કોલેજ ની વિદ્યાર્થીની સાથે રેપ થયાની ચકચારી ઘટના માં નાટ્યાત્મક વળાંક આવ્યો છે અને સિવિલ માં સારવાર હેઠળ રહેલી યુવતી એ ભાન માં આવતા જ પોતાના ઉપર બળાત્કાર નહીં થયો હોવાનું નિવેદન આપ્યું છે અને આત્મહત્યા કરવા બિલ્ડીંગ ઉપર થી કૂદકો માર્યો હોવાની વાત કરતા પોલીસ ચોંકી ઉઠી છે.
લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન યુવતી પારલે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું, પોતાની ઉપર રેપ થયો નથી અને જિંદગીથી કંટાળી પોતે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, આ અંગે ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુવતી પર રેપ થયો નથી. હત્યાનો પ્રયાસ પણ નથી. યુવતી ભાનમાં આવી ત્યારે કહ્યું, જિંદગીથી કંટાળી ઘરેથી નીકળી નવાં કપડાં ખરીદી પહેર્યાં પછી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી, પણ વોમિટ થતાં હું આ દવાથી મરીશ નહિ, જેથી એપાર્ટમેન્ટ પરથી કૂદકો મારવાનું વિચાર્યું હતું, એક-બે એપાર્ટમેન્ટમાં પણ ગઈ, જોકે વોચમેન હોય એટલે જઈ શકી ન હતી. અંતે, ગોકુલધામ એપા.માં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી. ટેરેસ પરથી પિતાને મેસેજ કર્યો કે આઈ લવ યુ મોમ એન્ડ ડેડ. ઈઝ નો મોર…કહી ફોન તોડી નીચે ભૂસકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને આ વાત ગળે ઊતરતી નથી. યુવતી હકીકતો છુપાવી રહી હોવાનું જણાય છે
પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળવા અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કૂદવાના કારણે મલ્ટીફ્રેક્ચર થયા છે. જેના કારણે તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી છે. યુવતી સંપૂર્ણ ભાનમાં આવી ગઈ છે અને તેનું નિવેદન પણ નોંધાવી દીધું છે.
બ્યુટીપાર્લરમાં તૈયાર થઈને આપઘાત કરવા માટે સીધી ડુમસ પહોંચી હતી
પોલીસની તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ યુવતી નેટવકિંગ બિઝનેશ કરવા માગતી હતી. જ્યારે તેના પરિવારજનો તેને અભ્યાસ કરાવવા માગતા હતા. યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું. આ મુદ્દે રોજના ઝઘડાના કારણે ત્રસ્ત થઇ ગઈ હતી. કોલેજમાં ફોર્મ ભરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગારમેન્ટની દુકાનમાંથી નવા કપડાં પહેર્યા હતા. ત્યારબાદ બ્યુટીપાર્લરમાં તૈયાર થઈને આપઘાત કરવા માટે સીધી ડુમસ પહોંચી હતી.
ગોકુલધામ એપાર્ટમેન્ટ વોચમેન વગરનો મળી જતા ટેરેસ પરથી કૂદી ગઈ
ડુમસના દરિયામાં કીચડ હોવાથી ત્યા આપઘાત કરવાનું માંડી વાળી ત્યાંથી વાનમાં બેસી સીધી ઉભરાટ ગઈ હતી પરંતુ ત્યાં લોકોની ભીડ હોવાથી આપઘાત કરવો શકય ન લાગતા પરત સુરત આવી હતી અને અંબાજી માતાના મંદિર પાસે આવેલ મેડીકલ સ્ટોરમાંથી ઉંદર મારવાની દવા લઈ ગટગટાવી લીધી હતી. એ વખતે તેને વોમિટ થઇ જતાં દવાની અસર ઓસરી ગઇ હતી. ત્યારબાદ યુવતી વોચમેન વગરના એપાર્ટમેન્ટની શોધમાં નીકળી હતી. જેમાં પાર્લે પોઇન્ટ સ્થિતિ ગોકુલધામ એપાર્ટમેન્ટ વોચમેન વગરનો મળી જતા તેણે આ એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી જઇ પહેલા પોતાનો મોબાઇલ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાનું યુવતી જણાવી રહી છે, આમ આ ઘટના માં વળાંક આવતા પોલીસે યુવતી નું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
