એક વર્ષ થઈ જવા છતાં કોરોના જવાનું નામ લેતો નથી અને ફરી પાછો ઉથલો માર્યો હોય તેમ સુરત મહાનગર પાલિકા ની આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વિવિધ બેંકોમાં કર્મચારીઓના કરેલા રેપિડ ટેસ્ટ દરમિયાન 33 કર્મચારીઓ પોઝિટિવ આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું છે અને બેંકો હવે સુપર સ્પ્રેડર બની રહી હોવાનું સામે આવ્યું છે અને દિવાળી દરમિયાન ભીડ ને લઈ બેંકોમાં સંક્રમણ થવાની શક્યતા વધુ હોય બેંક કર્મચારી તથા બેંક ખાતેદાર મુલાકાતીઓએ વધુ સાવચેત રહેવાં પાલિકાએ તાકીદ કરી છે.
હાલ બેંકોમાં છેલ્લા અઠવાડિયાથી કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં સેન્ટ્રલ ઝોનમાં સહારા દરવાજા વિસ્તારની આઈસીઆઈસીઆઈ બેંકમાં 6 કર્મચારી, પારસી શેરીની પીપલ્સ બેંકમાં 20 કર્મચારી, સલાબતપુરાની બેંક ઓફ બરોડા શાખામાં 7 કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં છે. આમ, કુલ 33 કર્મચારીઓ પોઝિટિવ આવતાં હાલમાં બેંકોમાં કોરોના વાયરસનું સંક્રમણ થવાની વધુ શક્યતા છે. દિવાળી સમયે હાલ બેંકોમાં લોકોની ભીડ વધી રહી હોવાથી જનતા ને કોરોના ની ગાઈડલાઈન નો અમલ કરવા તાકીદ કરવામાં આવી રહી છે.
