સુરત ની લાજપોર જેલમાં પાકા કામના કેદીઓ ફોન વાપરતા હોવાની મળેલી બાતમી આધારે તપાસ હાથ ધરવામાં આવતા જેલના બેરેકમાં ટોઇલેટ પાસેથી 1 મોબાઇલ મળી આવતા જેલતંત્ર ચોંકી ઉઠ્યું હતું અને પ્રાથમિક તપાસ માં આ મોબાઇલથી બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલ નારાયણ સાંઇ સહિત પાંચ કેદીઓ ઉપયોગ કરતા હોવાની વિગતો ખુલતા જેલર કે.જે.ઘારગે સચિન પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર ના આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધી ફોન ક્યાંથી કેવી રીતે જેલ માં આવ્યો તે અંગે તપાસ શરૂ કરી છે. લાજપોર જેલના ઝડતી સ્ક્વોડે 20મીએ બપોરે યાર્ડ નં-એ-2ની બેરેકમાં હાથ ધરેલા ચેકિંગ દરમિયાન બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો.
પાકાકામનો કેદી નવીન ગોહિલ આ ફોન પર વાત કરતો હતો અને ચેકિંગ આવતા જ તેણે ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો આ અંગે બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત 5 કેદી 3થી 4 દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા. આમ જેલ માં ફોન ઉપર વાત કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા આવા કેદીઓ માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
