સુરત નજીક સોનગઢ તાલુકાના મૈયાલી ગામે દારૂની તપાસ કરવા ગયેલ ત્રણ પોલીસકર્મીઓ પર બુટલેગરે હુમલો કરી એક પોલીસ જવાનને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દઇ પોતે પણ ભડભડ સળગતા ગંભીર રીતે દાઝેલા પોલીસ જમાદાર અને બૂટલેગર ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ ને દારૂના ધંધા અંગે બાતમી મળતા મુળજી ગામીત નામના બુટલેગરને ત્યાં ખાનગી કાર લઈ રેડ કરવા ગયા હતા. દરમિયાન દારૂ ક્યાં સંતાડયો છે એમ પૂછતાં બુટલેગર પોતાના હાથમાં એક કેરબો લઈ પોલીસ પાસે આવ્યો અને પેટ્રોલ પોલીસકર્મી પર નાખી અને પોતાના પર પણ છાટી દીવાસળી ચાંપી દીધી હતી. બનાવમાં જમાદાર પ્રભાતસિંહ બારૈયા અને આરોપી બંને ભડભડ સળગી ઉઠયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા પોલીસ કર્મી અને આરોપીની સારવાર અર્થે સુરત લઈ જવાયા હતા.
આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે અને પોલીસ ઉપર વધેલા હુમલા ના બનાવો ને પગલે પોલીસ ડિપાર્ટમેન્ટ માં પણ ચર્ચાઓ સાથે કચવાટ જોવા મળી રહ્યો છે.
