સુરતમાં ભારે વરસાદ પડતાં એસટી બસ ડેપોમાં મોટો માત્રામાં માટી તણાઈને આવતા ડેપો કીચડમાં ફેરવાઈ ગયું છે.
હાલ એસટી બસ ડેપો નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું હોય અહીં માટીના ઢગ ખડકાયા છે આ આ માટી વરસાદમાં તણાઈને કાદવમાં પરિવર્તિત થઈ જતા કેટલીક બસો કીચડમાં ફસાઈ ગઈ હતી. જે બસોને બહાર કાઢવા માટે ક્રેઈન લાવવી પડી હતી.
બસ ડેપો 150થી 200 બસોની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. ત્યારે હાલ કાદવના કારણે બસના ચાલકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
હાલમાં આ બસ ડેપોમાં 1 ફૂટ જેટલો કાદવ કીચડનો થર જામી ગયો છે. આ બસ ડેપોમાં તમામ બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ થાય છે. પરંતુ હાલ આવી સ્થિતિને લઈ કામ બંધ છે. મેન્ટેનન્સ રેમ્પમાં પણ કાદવનો ભરાવો થઈ જતા કામ ઠપ્પ થઈ ગયું છે.
એસટી સૂત્રોના જણાવ્યા મુજબ માટીના ઢગલાને વરસાદની સીઝન પહેલા હટાવવા માટે વારંવાર મેટ્રો રેલ કોન્ટ્રાકટરને લેખીતમાં જાણ કરવામાં આવી હતી છતાં તેણે કોઈ ધ્યાન ન દેતા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓને પણ આ વાતની લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ તેણે પણ કોઈ ધ્યાન નહિ આપતા સુરત બસ ડેપોની આ હાલત થઈ છે.