સુરત ના ચકચારી પીએસઆઈ અમિતા જોશીના આપઘાત પ્રકરણમાં હવે નવા ખુલાસા થઈ થઈ રહ્યા છે. અમિતાના પિતા બાબુભાઈ જોશી નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેઓએ સાસરી પક્ષ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને અમીતા ના ભાઈ નૈનેશે પણ સાસરિયાં પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા જ સમયથી અમિતાને તેનો પતિ વૈભવ, સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતાં હતાં. તેઓ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. અઠવાડિયા પહેલાં અમિતાને એકલી મૂકી અને દીકરાને પણ સાથે લઈ જઈ વતન ભાવનગર લગ્નપ્રસંગમાં જતાં રહ્યાં હતાં, જેથી અમિતાને લાગી આવ્યું હતું.
અમિતાના પિતા બાબુભાઈએ જણાવ્યું હતું કે પતાને ત્રણ દીકરી છે, જેમાં અમિતા મોટી દીકરી છે. જે ઉધના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હતી. અમિતા ખૂબ જ સહનશક્તિવાળી હતી. તેનો પતિ અહીં નોકરી કરતો હતો. અમિતા સાસુ-સસરા સાથે રહેતી હતી. પતિ 6 દિવસની રજા લઈને પરિવાર સાથે અમિતાને ધમકી આપી જતો રહ્યો હતો કે કાં રાજીનામું આપી દે કા ત્યાં સાથે આવી જા. નોકરી નથી કરવી. નહિતર તારો છોકરો મળશે નહીં, એમ કહી છોકરાને લઈને જતા રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બનાવ જ્યારે બન્યો ત્યારે તેનો પતિ અને તેનો પરિવાર ગારિયાધાર હતા. એટલુંજ નહીં પણ વિડિયો-કોલમાં વાત કરી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સાસુ, સસરા અને નણંદે કહ્યું હતું કે ત્રેવડ હોય તો ગોળી ખાઈને મરી જા. તો અમારે તને જોવી નહીં, જેથી આવેશમાં આવી દીકરાથી અલગ પડવાથી ચાલુ વિડિયો-કોલમાં જ અમિતાએ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ પહેલા તેણે સુસાઇડ નોટ તૈયાર કરી હતી.
આમ સાસરીયા ના ત્રાસ થી પીએસઆઈ અમીતા જોશી એ આત્મહત્યા કરવાની ફરજ પડી હતી આમ આ ઘટના એ ભારે વિવાદ ઉભો કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે પિતા એટલા નારાજ હતા કે અમીતા ની ડેડબોડી પણ સાસરીયા પક્ષ ને સોંપી ન હતી અને પોતાની સાથે લઈ ગયા હતા. આમ જૂનવાણી વિચારો એ એક આશાસ્પદ જિંદગી છીનવી લીધા નું સામે આવ્યું છે.
