સુરત માં કોરોના ને લઈ આ વર્ષે રાવણ દહન કરાશે નહીં પરંતુ આ વખતે ખરીદીને લઇને સુરતીઓનો ઉત્સાહ ઓછો થયો નથી જે આજે સાબિત થઈ ગયું, સુરત માં દશેરાના શુભ મૂહૂર્તમાં 400 કાર અને 800 બાઇકની ડિલિવરી લેવા સૂરતીઓ ડીલર ના ત્યાં પહોંચી ગયા હોવાના વાવડ છે, જ્યારે ગોલ્ડ અને જ્વેલરીમાં પણ 30 ટકા બુકિંગ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે,આ સાથે ફૂલ બજારોમાં પણ તેજી જોવા મળી છે.સુરત માં આમતો શનિવારે દુર્ગાઆઠમે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ જોવા મળી હતી અને ફૂલ, ફાફડા જલેબી સહિત જ્વેલરી અને ઓટો બજારમાં ભીડ હતી. સુરત માં ઘીમાં બનેલી જલેબી રૂ. 440 કિલો જયારે તેલની 210 રૂ. કિલો જલેબી ધડાધડ વેચાણ થતા વેપારીઓ ના ચહેરા ખીલ્યા હતા. ફાફડા ખરીદવા માટે સુરતીઓ ઉમટ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં લાઈનો લગાવી હતી. બીજીતરફ ગલગોટાના હાર લેવા માટે પણ માર્કેટમાં ભીડ જોવા મળી હતી. અહીં રૂ. 60-100 કિલો છૂટક ફૂલ વેચાણ થઇ રહ્યું છે.જયારે જ્વેલરી બજારમાં પણ દશેરાથી શુકનવંતુ રોકાણ કરવા પોતાની શક્તિ મુજબ લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા.જોકે ,સોના ચાંદી માં થયેલા પાંચ ઘણા તોતિંગ ભાવ વધારા ના કારણે લોકો હવે સોના ચાંદી ના ઘરેણાં ની ખરીદી થી દુર થતા જઈ રહ્યા છે અને 1 કે 2 ગ્રામ વાળા સસ્તા દાગીના ની ખરીદી તરફ વળ્યા છે પરિણામે આવનારા સમય માં સોના ચાંદી ના ઘરેણાં કોઈ જ નહીં ખરીદે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સુરત માં ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ દશેરા ઉપર તેજી જોવા મળી હતી અને ટાટા 90, હોન્ડા 50, હુન્ડાઈ 170 ગાડીઓના બુકિંગ નોંધાયા છે. જ્યારે આજના દિવસે કુલ 400 ગાડીઓનું બુકિંગ છે. બાઈક અને મોપેડ મળીને 800 બાઇકોનું બુકિંગ થતા તેજી નો માહોલ જોવા મળ્યો હતો. આમ સૂરતીઓ પોતાના અસ્સલ અંદાજ માં મોજ કરતા જોવા મળ્યા હતા.
