સુરતના ડૂંભાલ વિસ્તારમાં આવેલા ડૂંભાલ ટેનામેન્ટમાં હેતુફેર કરી મકાનોનાં બદલે દુકાનો ચણી દઈ ધંધો કરતી 14 દુકાનોને સીલ મારવાની કામગીરી સુરત મહાનગરપાલિકાનાં લીંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી. રહેઠાણ માટે ફાળવવામાં આવેલા આવાસોમાં મકાન માલિકોએ દુકાનો બનાવી દીધી હતી.આ ઉપરાંત કેટલીક દુકાનોએ રસ્તા પર દબાણ કરતાં તેની પણ તોડફોડ કરવામાં આવી હતી.
વિગતો મુજબ ડુંભાલ ટેનામેન્ટમાં વર્ષોથી મકાનોને તોડીને દુકાનો બનાવી દેવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં ગરીબ લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ મકાનને બદલે લોકોએ દુકાનો ચણી દીધી હતી. પાલિકા દ્વારા દુકાનધારકોને નોટીસ આપવામાં આવી હતી પરંતુ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે પાલિકાના લીંબાયત ઝોન દ્વારા સીલ અને વધારાના બાંધકામને તોડી નાંખવાની કામગીરી કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોને 14 જેટલી દુકાનોને સીલ મારી દીધું હતું અને ચાર-પાંચ દુકાનોમાં ગેરકાયદે બાંધકામને પણ દુર કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાર્યવાહી ચાલી રહી હતી ત્યારો મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. કેટલાકે વિરોધ કર્યો હતો પરંતુ પાલિકાની સખ્તાઈ સામે વિરોધનો ફિયાસ્કો થયો હતો. જોકે, કોંગ્રેસ કે ભાજપનો એક પણ કોર્પોરેટર સ્થળ પણ જોવા મળ્યો ન હતો.