ઘોડદોડ રોડ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આજે સવારે યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી જોકે કતારગામ માં રહેતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાય છે.
નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય રાની (નામ બદલ્યું છે) ની થોડાક માસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક સાથે આંખ મળી ગઈ હતી જેથી બંને જણા પરિવારની જાણ બહાર મળતા હતા. તેમના પરિવારને તેમની વચ્ચેના પ્રેમ સબંધ મંજૂર ન હતા. જેથી ગત તારીખ 5 ના રોજ પ્રેમી પંખીડાઓ ભાગી ગયા હતા આ અંગે રાનીના પરિવારજનોએ કતારગામ પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેની શોધખોળ આદરી હતી.
દરમિયાન જૂનાગઢના કેશોદ ખાતેથી પ્રેમી પંખીડાઓને કતારગામ પોલીસ શનિવારના રોજ પકડી લાવી હતી. જોકે રાની એ તેમના પરિવાર સાથે ઘરે જવાની ના પાડી હતી જેથી પોલીસે શનિવારની રાત્રે રાનીને ઘોડદોડ રોડ પર આવેલી નારી સંરક્ષણ ગૃહમાં મૂકી આવ્યા હતા.
બાદમાં આજે સવારે રાની ત્યાં બાથરૂમમાં જવાનું કહીને નીકળી હતી. જોકે તે દસ મિનિટ સુધી બાથરૂમમાંથી ઉપર જ નહીં આવતા ત્યાંના કર્મચારી સહિત ના હોય જોવા ગયા હતા. ત્યારે તે બાથરૂમમાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચોકી ગયા હતા.
આ બનાવને લીધે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે જઈ કાર્યવાહી કરીને તેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ ઉમરા પોલીસ આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.