શહેરમાં કોરોનાનો ચેપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે કોરોનાના દર્દીઓ સારવાર માટે માત્ર મનપા કે સરકારી આરોગ્યતંત્ર પર જ નિર્ભર ના બને તે માટે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જો કે, કોરોના મહામારી સ્તરની બીમારી હોવાથી તેમાં સરકારનું નિયંત્રણ જરૂરી હોય કોરોનાની સારવાર શરૂ કરવા ઇચ્છતા હોસ્પિટલ સંચાલકોએ મનપા સાથે કરાર કરવા જરૂરી છે. તેથી મનપા દ્વારા અત્યાર સુધીમાં 10 હોસ્પિટલો સાથે કરાર કરી લીધા છે.
તેમજ કોરોનાની સારવાર અંગેના જુદી જુદી ફેસેલિટીના ચાર્જ પણ સરકાર અને મનપાએ જ નકકી કર્યા છે. જો કે આગામી સમયમાં કોરોનાના દર્દીઓ એટલી હદે વધી જશે કે સ્મીમેર, નવી સિવિલ હોસ્પિટલ અને જે ખાનગી હોસ્પિટલો સાથે કરાર થયા છે. તે તમામ મળીને કુલ જે 3000 બેડ છે. તે પણ ખૂટી પડે તેવી શકયતા છે. તેથી હવે શહેરની કોઇ પણ હોસ્પિટલ કે તબીબ કોરોનાની સારવાર કરી શકે તે માટે મનપાએ દરવાજા ખોલી નાંખ્યા છે. તેમજ હવે કોઇ પણ હોસ્પિટલ કે ડોકટર મનપા સાથે કોરોનાની સારવાર માટે કરાર કરી શકે તેવી છૂટ આપવાની તૈયારી કરી છે. આ સાથે વધુ 37 હોસ્પિટલોએ પણ મનપા સાથે કરાર કરી લીધા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સંજીવકુમાર ઓડીટોરીયમમાં મનપાના તંત્ર સાથે શહેરની હોસ્પિટલ સંચાલકો અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએનશ અને અન્ય ખાનગી ડોકટરો સાથે મીટિંગ યોજાઇ હતી. જેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત મનપા દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી હતી કે જે હોસ્પિટલો કોરોનાની સારવાર શરૂ કરે તે વધુમાં વધુ દર્દીને હોમ બેઇઝ સારવાર પર વધુ ભાર મુકે, એટલે કે શકય હોય તે તમામ દર્દીઓને ડોકટરો તેની નકકી થયેલી ફી વસૂલીને તેના ઘરે જ સારવાર આપે તેવી વ્યવસ્થા ગોઠવાય, હોસ્પિટલો તેના માટે અલગથી પેકેજ નકકી કરે, જેથી દર્દીઓને પણ રૂમના ભાડાથી માંડીને અન્ય ફેસેલિટીનો ચાર્જ ચુકવવો ના પડે અને સારવાર સસ્તી પડે, તેમજ શહેરમાં બેડ ખૂટી પડવાની સ્થિતી પણ ઉભી ના થાય.