સુરત શહેરથી નજીક સમગ્ર દેશમાંથી હજીરા વિસ્તારની કંપનીઓમાં આવતા ટ્રક ચાલોક દ્વારા દારૂ પીને બેફામ ઝડપે ટ્રક દોડાવવામાં આવે છે. આ અંગેની રજુઆતમાં થોડા સમય પહેલા જ ગામના લોકોએ પોલીસ કમિશનરને કરી હતી. જો કે પોલીસની નબળી કામગીરીને કારણે આદે સવારે હજીરા ઈચ્છાપોર ચોકડી પાસે એક બેફામ ઝડપે દોડી આવતા ટ્રકે મોટર સાયકલ અને એક આધેડ વયની મહિલાને અડફેટે લેતા બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓલપાડ તાલુકાના કુવાડ ગામનો રહેવાસી રમણ ડાહ્યા પટેલ આજે સવારે પોતાની મોટર સાયકલ પર ક્રિભકો કંપની ખાતે નોકરી પર જવા નિકળ્યો હતો. થોડા સમય પહેલા જ રમણ પટેલના સાસુ શારદાબેન પણ પોતાના જમાઈ સાથે બાઈક પર કવાસ ગામ ખાતે જવા માટે નિકળ્યા હતા. સાસુ જમાઈ હજીરા ઈચ્છાપોર પાસે પહોંચ્યા ત્યાં સાંઢની ઝડપે દોડી આવતા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને તેઓ લગભગ 100 મીટર જેટલા ઘસડાયા હતા. માથા અને બીજા અન્ય ભાગ પર ઈજા થતા બંનેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતા લોકો ઘટના સ્ળેથ દોડી આવ્યા હતા.
આકસ્માત થયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળ પર જ પોતાનો ટ્રક છોડીને ભાગી છૂટ્યો હતો. બે બે લાશ જોઈને ગ્રામ્યજનોમાં ખુબ આક્રોશ ફેલાયો છે. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.