શહેરમાં અનલોક-1 લાગુ કરાતાં જ કોરોનાના પોઝિટિવ કેસોમાં(Corona Positive Cases) ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરમાં નવી સિવિલ, સમરસ, સ્મીમેર, તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓ(Patient) સારવાર લઈ રહ્યા છે. પરંતુ જે રીતે શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે તે જોતા આવનારા દિવસોમાં સગવડ ઓછી પડે તેમ હોય મનપા દ્વારા વધુ ને વધુ પ્રાઈવેટ હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવી રહ્યાં છે. શનિવારે મનપાએ વધુ 4 પ્રાઈવેટ હોસ્પિટલ સાથે કરાર કર્યા હતા.
મનપાએ અત્યાર સુધીમાં કુલ 37 પ્રાઈવેટ હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. જ્યારે શનિવારે વધુ 4 હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા હતાં. જેમાં અઠવા ઝોનની પીપલોદ હોસ્પિટલમાં 25 બેડ, વરાછા-બી ઝોનની ચિરાયુ મલ્ટી સ્પેશિયાલિયી હોસ્પિટલમાં 15 બેડ, વરાછા-બી ઝોનની ક્રિસ્ટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 15 બેડ, અને વરાછા-બી ઝોનમાં ગ્લોબલ હોસ્પિટલમાં 25 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં તાલિમબદ્ધ સ્ટાફ, બાયપેપ, વેન્ટિલેટર, ઓક્સિજનની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
આ હોસ્પિટલોને ફરજિયાત 50 ટકા બેડની વ્યવસ્થા કોરોના દર્દીઓ માટે કરવાની રહેશે અને હોસ્પિટલમાં અન્ય 50 ટકા બેડની વ્યવસ્થા અન્ય દર્દીઓ માટે તેઓ કરી શકશે. જે પૈકી જે બેડ ખાલી રહેશે તેનો ખર્ચ પણ સુરત મહાનગર પાલિકા ઉઠાવશે. જે માટે મનપા વોર્ડ, આઈસોલેશન, વેન્ટિલેટર રૂમના જે ચાર્જ હશે તે ભોગવશે. જેમાં ખાલી બેડ માટે રૂા. 720 થી 1800 સુધીનો ભાવ ચૂકવશે. તેમજ દર્દી હશે તો તે બેડ માટે પણ રૂા. 4,500 થી 11, 250 સુધીનો ચાર્જ મનપા ભોગવશે, સાથે જ સ્પેશિયલ રૂમનો ભાવ રૂા. 10,000 થી 23,000 સુધીનો છે જે હાઈકોર્ટના આદેશ મુજબ તેમાં 5થી 10 ટકા જેટલી રાહત મળતી હોય, મનપા સ્પેશિયલ રૂમ માટે રૂા. 9,000 થી 21,850 સુધીનો ચાર્જ ભોગવશે. તે ઉપરાંત દવાનો ચાર્જ અલગથી રહેશે. આ ચાર્જમાં નાસ્તો, લંચ, ચા વગેરેનો સમાવેશ થઈ જશે.